<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

હોકી વર્લ્ડ કપ ૨૦૨૬માં ભારતીય ટીમનો વિજયી પ્રારંભ: કેપ્ટન હરમનપ્રીત સિંહના બે ગોલની મદદથી ભારતનો વેલ્સ સામે ૩-૧થી ભવ્ય વિજય!

સંજય અને હરમનપ્રીતની શાનદાર રમતથી ભારતે શરૂઆતથી જ દબાણ બનાવ્યું; હવે આગામી પૂલ-ડી મેચમાં ઈંગ્લેન્ડ સામે જામશે જંગ.

નવી દિલ્હી: પુરુષ હોકી વર્લ્ડ કપ ૨૦૨૬ ની પોતાની પ્રથમ જ મેચમાં ભારતીય હોકી ટીમે ધમાકેદાર પ્રદર્શન કરીને વિજયી ખાતું ખોલ્યું છે. વેગનર સ્ટેડિયમ ખાતે ૧૦,૦૦૦ થી વધુ દર્શકોની હાજરીમાં રમાયેલી પૂલ-ડી ની રોમાંચક મેચમાં ભારતે વેલ્સને ૩-૧ ના અંતરથી પરાજય આપ્યો હતો. પાંચ દાયકા બાદ વર્લ્ડ કપ મેડલ જીતવાના દ્રઢ સંકલ્પ સાથે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક રમત દર્શાવી હતી.

 

મેચના પ્રથમ ક્વાર્ટરમાં જ ભારતીય ટીમે પોતાની પકડ મજબૂત કરી લીધી હતી. મેચની ૭મી મિનિટે સંજયે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને ભારતને ૧-૦ ની લીડ અપાવી હતી. ત્યારબાદ ૧૧મી મિનિટે કેપ્ટન હરમનપ્રીત સિંહે શાનદાર ગોલ કરીને ભારતનો સ્કોર ૨-૦ કરી દીધો હતો. ત્રીજા ક્વાર્ટરની ૪૩મી મિનિટે હરમનપ્રીતે પોતાના વ્યક્તિગત બીજા અને ટીમના ત્રીજા ગોલ સાથે ભારતની જીત લગભગ નક્કી કરી દીધી હતી. હરમનપ્રીતને તેના શ્રેષ્ઠ દેખાવ માટે 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.

 

બીજી તરફ, વેલ્સની ટીમે પણ વળતો પ્રહાર કરવાનો સતત પ્રયાસ કર્યો હતો. ચોથા ક્વાર્ટરની ૫૬મી મિનિટે સેમ વેલ્શે પેનલ્ટી કોર્નર દ્વારા વેલ્સ માટે એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો. ભારતીય ગોલકીપર મોહિત એચ.એસ. અને સૂરજ કરકેરાએ કેટલાક શાનદાર બચાવ કરીને વેલ્સના અન્ય પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. હવે ભારતીય ટીમ સોમવારે યોજાનારી પોતાની બીજી પૂલ-ડી મેચમાં મજબૂત ઈંગ્લેન્ડનો સામનો કરશે.

(7:46 PM IST)