<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

“આ દંભ અતિ બેશરમ છે”: ઓસ્ટ્રેલિયામાં બે જ દિવસમાં ટેસ્ટ મેચ ખતમ થતાં સુનિલ ગાવસ્કર લાલઘૂમ, પિચના બેવડા ધોરણો પર ઓસી મીડિયા અને ICCને ઉઘાડા પાડ્યા

મેકે ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે ઓસ્ટ્રેલિયાની બે દિવસીય જીત બાદ પિચ વિવાદ ઘેરો બન્યો: ગાવસ્કરે આકરા પ્રહારો કરી કહ્યું, "જો ભારતમાં મેચ ત્રણ દિવસ ચાલે તો રોકકળ મચાવનારા ઓસી હવે મૌન કેમ?"

સિડની : ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બે ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી મેચ માત્ર બે જ દિવસમાં સમાપ્ત થઈ જતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં પિચને લઈને નવો વિવાદ સર્જાયો છે. પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે ઐતિહાસિક હારનો સામનો કર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટમાં જોરદાર પુનરાગમન કરીને એક ઇનિંગ્સ અને ૫૧ રનથી જીત મેળવી હતી. જોકે, મેકે (Mackay) ના મેદાન પર રમાયેલી આ મેચમાં પિચની અતિશય અસમાન ઉછાળ અને ઝડપે સૌને ચોંકાવી દીધા છે. આ ઘટના બાદ ભારતીય ક્રિકેટના મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે પોતાની સ્પોર્ટસ્ટાર કોલમમાં પિચ મૂલ્યાંકનમાં ચાલતા બેવડા ધોરણો પર આકરા પ્રહારો કર્યા છે.

 

ગાવસ્કરે પોતાના લેખમાં પશ્ચિમી દેશો અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડના દંભને ખુલ્લો પાડતાં લખ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઓસ્ટ્રેલિયામાં આ ચોથી એવી ટેસ્ટ મેચ છે જે માત્ર બે જ દિવસમાં પૂરી થઈ ગઈ છે. આમ છતાં, ત્યાંની ઉછાળવાળી પિચો સામે કોઈ અવાજ ઉઠાવવામાં આવતો નથી. તેના બદલે 'ગ્રાઉન્ડ્સમેનથી હવામાનના અંદાજમાં ભૂલ થઈ ગઈ' અથવા 'બેટ્સમેનોમાં ઉછાળ સામે રમવાની ટેકનિકનો અભાવ હતો' જેવા બહાના બનાવવામાં આવે છે. ગાવસ્કરે સવાલ ઉઠાવ્યો કે જો પિચ સારી હતી તો યજમાન ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો પણ કેમ મોટા રન કે સારી ભાગીદારી બનાવી શક્યા નહીં?

 

૧૯૮૩ના વર્લ્ડ કપ વિજેતા ગાવસ્કરે સ્પીન અને ફાસ્ટ બોલિંગ પ્રત્યે વિદેશી મીડિયાના મનોવલણ પર કડક ટીકા કરી હતી. તેમણે ઉમેર્યું કે, "જ્યારે ભારતમાં કોઈ ટેસ્ટ મેચ ત્રણ કે ચાર દિવસ ચાલે છે ત્યારે પિચ, BCCI અને ભારતીય ક્રિકેટ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દેવામાં આવે છે. જો વિદેશી બેટ્સમેન સ્પીન બોલિંગ સામે આઉટ થાય તો પિચને 'ખરાબ' કે 'અયોગ્ય' કહેવાય છે, પરંતુ જો ઝડપી બોલિંગમાં વિકેટોનો ખડકલો થાય તો તેને 'બેટ્સમેનની નબળી ટેકનિક' ગણાવાય છે. આ દંભ એટલો બેશરમ છે કે તે આઘાતજનક છે."

 

તેમણે એશિયન સબ-કોન્ટિનેન્ટમાં બોલિંગ અને બેટિંગ કૌશલ્યનું યોગ્ય મૂલ્યાંકન ન થવા બદલ પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે સ્પીન બોલિંગ સામે સચોટ ફૂટવર્કથી રમવું એ બેટિંગની ખરી પરીક્ષા છે. અંતમાં ગાવસ્કરે મેચ રેફરીના રેટિંગ પર આશંકા વ્યક્ત કરતાં કહ્યું કે, "ચાલો જોઈએ કે મેચ રેફરી મેકે પિચને શું રેટિંગ આપે છે, પરંતુ ભારતીય ચાહકોએ બહુ અપેક્ષા રાખવાની જરૂર નથી, કારણ કે ઓસ્ટ્રેલિયા માટે ક્યારેય કડક નિયમો લાગુ થતા નથી."

(7:49 PM IST)