News of Tuesday, 1st September 2026
નીરજ ચોપરા એશિયન ગેમ્સમાંથી બહાર, ડાયમંડ લીગ ફાઈનલ પણ ગુમાવશે
ભારતીય ખેલ જગત માટે માઠાં સમાચાર : તાલીમ દરમિયાન પગની ઘૂંટીમાં ઈજા (એંકલ લિગામેન્ટ ટિયર) થતાં ‘ગોલ્ડન બોય'એ આખી વર્તમાન સીઝનમાંથી ખસી જવાની કરી જાહેરાત

નવી દિલ્હી,તા.૦૧: ભારતના સ્ટાર ભાલાફેંક (જેવલિન થ્રો) ખેલાડી અને બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાને કારણે ભારતીય ફેન્સ અને ખેલ જગતને મોટો આંચકો લાગ્યો છે. આગામી એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ ફાઇનલમાં ગોલ્ડ મેડલ મેળવવાના સૌથી પ્રબળ દાવેદાર મનાતા નીરજ ચોપરા ઈજાના કારણે આ બંને મહત્વપૂર્ણ સ્પર્ધાઓમાંથી બહાર થઈ ગયા છે.
સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે પોતાની નિરાશા વ્યક્ત કરતા નીરજે જણાવ્યું હતું કે, લૌઝાન ડાયમંડ લીગમાં ૮૮.૦૫ મીટરનો આ સીઝનનો શ્રેષ્ઠ થ્રો ફેંક્યા બાદ તેઓ પોતાની શ્રેષ્ઠ લય (ફોર્મ) મેળવી રહ્યા હતા. પરંતુ કમનસીબે, ત્યારબાદની એક ટ્રેનિગ સેશન દરમિયાન તેમના પગની ઘૂંટી (એંકલ)ના લિગામેન્ટમાં ગંભીર ઈજા થઈ હતી.
મેડિકલ ટીમ અને તબીબોની સલાહ લીધા બાદ, વધુ ઈજાથી બચવા અને શરીરને પૂરતો આરામ આપવા માટે તેમણે વર્તમાન રમતોત્સવની તમામ બાકી રહેલી સ્પર્ધાઓમાંથી નામ પાછું ખેંચવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે.
નીરજ ચોપરા એશિયન ગેમ્સમાં ભારતના ગોલ્ડ મેડલના સૌથી મજબૂત દાવેદાર હતા. તેમની ગેરહાજરીથી એથ્લેટિક્સમાં ભારતના મેડલ ટેલી પર સીધી અસર પડશે.
બ્રુસેલ્સમાં યોજાનારી ડાયમંડ લીગ ફાઈનલ માટે તેમણે ક્વોલિફાય કરી લીધું હતું, પરંતુ હવે તેઓ તેમાં પણ ભાગ લઈ શકશે નહીં.
પોતાની ઈમોશનલ પોસ્ટમાં નીરજે લખ્યું, રમતગમતમાં આવા ઉતાર-ચઢાવ સફરનો એક ભાગ હોય છે. આ ક્ષણે આ નિર્ણય ખૂબ જ નિરાશાજનક છે, પરંતુ મારું સંપૂર્ણ ધ્યાન હવે ઝડપથી સાજા થવા (રિકવરી) અને મેદાન પર પહેલા કરતાં પણ વધુ શક્તિશાળી રીતે વાપસી કરવા પર રહેશે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
