News of Tuesday, 1st September 2026
સેન્ટ્રલ ઝોનના કેપ્ટન રજત પાટીદારને બંને દાવમાં ક્લીન બોલ્ડ કર્યા બાદ મુકેશ કુમારે શમીના આશીર્વાદ લીધા; ઈસ્ટ ઝોનના બંને બોલરોએ મળીને ઝડપી 12 વિકેટ
દુલીપ ટ્રોફીની સેમિફાઇનલમાં સ્વિંગ અને સ્પીડના ઘાતક આક્રમણ વચ્ચે મેદાન પર સર્જાયી એક અનોખી અને ભાવુક ક્ષણ

બેંગ્લૂરુ, તા.૦૧: ભારતમાં ક્રિકેટ માત્ર એક રમત નથી, પરંતુ એક ધર્મની જેમ પૂજાય છે. આપણે અવારનવાર જોયું છે કે ચાહકો સચિન તેન્ડુલકર, એમએસ ધોની, વિરાટ કોહલી કે રોહિત શર્મા જેવા દિગ્ગજોના આશીર્વાદ લેવા માટે સુરક્ષા કોર્ડન તોડીને પણ મેદાન પર દોડી આવતા હોય છે. પરંતુ બેંગ્લૂરુમાં રમાયેલી દુલીપ ટ્રોફીની સેમિફાઇનલ મેચ દરમિયાન ક્રિકેટ પ્રેક્ષકોને એક તદ્દન અલગ, અનોખી અને ભાવુક ક્ષણ જોવા મળી હતી, જ્યારે એક આંતરરાષ્ટ્રીય ખેલાડીએ મેદાન પર જ પોતાના જ સાથી સીનિયર બોલરના ચરણ સ્પર્શ કર્યા હતા!
ઈસ્ટ ઝોન તરફથી રમી રહેલા પેસ બોલર મુકેશ કુમારે સેન્ટ્રલ ઝોનના કેપ્ટન રજત પાટીદારને બીજા દાવમાં પણ શાનદાર રીતે ક્લીન બોલ્ડ કર્યા બાદ, ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સામેથી દોડીને આવેલા પોતાના સાથી પેસ બોલર મોહમ્મદ શમીને પગે લાગીને આશીર્વાદ લીધા હતા. આ અણધારી અને આદરપૂર્ણ ક્ષણ જોઈને મેદાન પર હાજર તમામ ખેલાડીઓ, અમ્પાયરો અને સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
વાસ્તવમાં, આ રોમાંચક મેચ દરમિયાન ભારતને અનેક ઐતિહાસિક મેચો અને સિરીઝો જિતાડી ચૂકેલા અનુભવી બોલર મોહમ્મદ શમીએ જ મુકેશ કુમારને અમુક ખાસ પ્રકારની સ્વિંગ અને લાઈન-લેન્થ પર બોલિંગ કરવાની મહત્વપૂર્ણ સલાહ આપી હતી. મુકેશે શમીની આ ટિપ્સનો એવો સચોટ ઉપયોગ કર્યો કે સેન્ટ્રલ ઝોનનો કેપ્ટન રજત પાટીદાર બંને દાવમાં મુકેશના ઇન-સ્વિંગ બોલ સામે સંપૂર્ણપણે લાચાર દેખાયો હતો. પ્રથમ દાવમાં પાટીદાર માત્ર ૧૨ રન બનાવીને મુકેશના બોલમાં બોલ્ડ થયો હતો, જ્યારે બીજા દાવમાં પણ તે મુકેશની ધારદાર બોલિંગ સામે માત્ર ૫ રન બનાવીને ફરી ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. આઈપીએલના આ સ્ટાર બેટ્સમેનને સતત બીજી વાર પેવેલિયન ભેગો કર્યાનો ઉત્સાહ અને શમીની સલાહ કામ કરી ગઈ એ કૃતજ્ઞતા મુકેશે શમીને પગે લાગીને વ્યક્ત કરી હતી.
આ સેમિફાઇનલ મેચમાં ઈસ્ટ ઝોનના આ બંને પેસ બોલરોએ મળીને સેન્ટ્રલ ઝોનની બેટ્સમેન લાઇન-અપને તહસ-નહસ કરી નાખી હતી. મુકેશ અને શમીની જોડીએ મેચના બંને દાવ મળીને કુલ ૧૨ વિકેટ ઝડપી હતી. મુકેશ કુમારે પ્રથમ દાવમાં ૩ અને બીજા દાવમાં ૪ વિકેટ ઝડપીને કુલ ૭ વિકેટ પોતાના નામે કરી હતી, તો બીજી તરફ મોહમ્મદ શમીએ પણ પોતાની ઘાતક બોલિંગનો પરચો બતાવતા પ્રથમ દાવમાં ૨ અને બીજા દાવમાં ૩ વિકેટ સાથે કુલ ૫ વિકેટ પોતાના નામે કરી હતી.
મેચના ઉત્તેજક ઘટનાક્રમની વાત કરીએ તો, રજત પાટીદારની આગેવાની હેઠળ સેન્ટ્રલ ઝોને પ્રથમ દાવમાં ૨૬૬ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇશાન કિશનની કેપ્ટન્સીમાં રમી રહેલી ઈસ્ટ ઝોનની ટીમે પણ વૈભવ સૂર્યવંશીની તાબડતોડ બેટિંગ (૭ ચોગ્ગા અને ૭ છગ્ગા સાથે ૯૨ રન)ની મદદથી બરાબર ૨૬૬ રન જ બનાવ્યા હતા. પ્રથમ દાવમાં બરાબરી રહ્યા બાદ બીજા દાવમાં મુકેશ અને શમીની ધારદાર બોલિંગ સામે સેન્ટ્રલ ઝોન માત્ર ૧૫૮ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, અને ઈસ્ટ ઝોનને જીતવા માટે ૧૫૯ રનનો ટાર્ગેટ મળ્યો હતો.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
