<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

સદી તો થઈ ગઈ... પણ સેલિબ્રેશનનું રહસ્‍ય નહીં ખૂલે!

જાડેજાએ પૂછયું ‘આ ઉજવણીનું કારણ શું?' રોહિતનો મજેદાર જવાબ : ‘ડ્રેસિંગ રૂમમાં કહીશ... આ મારા માટે છે'

નવી દિલ્‍હીઃ ગુવાહાટી ખાતે વેસ્‍ટ ઈન્‍ડિઝ સામેની બીજી વન-ડેમાં રોહિત શર્માએ ધમાકેદાર ૧૦૧ રનની ઇનિંગ્‍સ રમીને પોતાની ૩૫મી વન-ડે સદી પૂરી કરી હતી. સદી પૂરી કર્યા બાદ રોહિતે ઘૂંટણ ઊંચા કરીને કરેલું અનોખું સેલિબ્રેશન ચર્ચાનું કેન્‍દ્ર બન્‍યું હતું. જોકે, આ સેલિબ્રેશન પાછળનું રહસ્‍ય શું હતું તે રોહિતે જાહેર કર્યું નથી.

મેચ બાદ રવીન્‍દ્ર જાડેજાએ પણ રોહિતને આ સેલિબ્રેશનનું કારણ પૂછયું હતું. તેના જવાબમાં રોહિતે મજાકિયા અંદાજમાં કહ્યું કે, ‘ડ્રેસિંગ રૂમમાં કહીશ... આ મારા માટે હતું.' રોહિતે સ્‍પષ્ટ કર્યું કે કેટલીક બાબતો વ્‍યક્‍તિગત હોય છે અને તેને બધાની સાથે શેર કરવાની જરૂર નથી.

જાડેજાએ તો રોહિત માટે વધુ ધમાકેદાર સેલિબ્રેશનની કલ્‍પના કરી હતી. તે ઈચ્‍છતો હતો કે રોહિત સદી બાદ સ્‍લાઇડ કરે અને કૂદીને ઉજવણી કરે. પરંતુ રોહિતે હસતાં કહ્યું કે ૫૦ ઓવર ફિલ્‍ડિંગ કર્યા બાદ અને લગભગ ૨૫-૩૦ ઓવર બેટિંગ કર્યા પછી તેની પાસે આવા સ્‍ટંટ કરવાની તાકાત બચી નહોતી.

રોહિતની ૧૦૧ રનની ઇનિંગ્‍સ અને શુભમન ગિલની અણનમ ૨૨૩ રનની વિસ્‍ફોટક ઇનિંગ્‍સના બળે ભારતે ૪૦૬ રનનો વિશાળ લક્ષ્યાંક ૪૩.૩ ઓવરમાં હાંસલ કર્યો હતો. બંને વચ્‍ચે ૨૫૫ રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી.

(10:50 AM IST)