News of Monday, 21st September 2026
ક્રિકેટ પીચ બાદ હવે રાજકારણના મેદાનમાં ધમાકો કરશે મોહમ્મદ શમી? જયંત ચૌધરી સાથેની મુલાકાત બાદ યુપી ઇલેક્શનમાં ઝંપલાવવાની જોરદાર ચર્ચા
અમરોહા બેઠક પરથી ચૂંટણી લડવાની અટકળોથી રાજકીય ગરમાવો: ભાજપ-આરએલડી ગઠબંધન શમી અથવા તેના ભાઈને ટિકિટ આપે તેવી શક્યતા

અમરોહા, તા.૨૧: ભારતીય ટીમનો અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી છેલ્લા કેટલાક સમયથી નેશનલ ટીમથી દૂર ચાલી રહ્યો છે, ત્યારે હવે તે ક્રિકેટના મેદાન બાદ રાજકારણની પીચ પર નવી ઇનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. રાષ્ટ્રીય લોક દળ (RLD) ના રાષ્ટ્રીય પ્રમુખ જયંત ચૌધરી સાથે શમીની તાજેતરની ખાસ મુલાકાત બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. આગામી વર્ષે યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતાં જ શમીના રાજકીય પ્રવેશની વાતો વહેતી થઈ છે.
ભારત તરફથી શમી છેલ્લે ૯ માર્ચ ૨૦૨૫ ના રોજ રમ્યો હતો, પરંતુ તે પછી સિલેક્ટર્સ દ્વારા તેની સતત અવગણના કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઈસ્ટ ઝોન તરફથી દુલીપ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરી ટીમને ખિતાબ અપાવ્યો હતો. રાજકીય વર્તુળોમાં ચાલતી અટકળો મુજબ, શમી અમરોહા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. જો ભારતીય જનતા પાર્ટી (BJP) અને RLD ની યુતિ આ બેઠક પરથી ચૂંટણી લડશે, તો મોહમ્મદ શમી અથવા તેના ભાઈ હસીબ અહમદને ટિકિટ સોંપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
જયંત ચૌધરીની પોસ્ટ બાદ અટકળો તેજ
જયંત ચૌધરીએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શમી સાથેની મુલાકાતની તસવીર શેર કરી હતી, જેના પછીથી આ ચર્ચાએ વધુ જોર પકડ્યું છે. જોકે, શમી કે RLD તરફથી હજુ સુધી રાજકારણમાં જોડાવા અંગે કોઈ સત્તાવાર નિવેદન કે પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ ટીમ ઈન્ડિયામાં કમબૅકની લાંબી રાહ જોઈ રહેલા શમી માટે આ મુલાકાત તેના ભાવિ કારકિર્દીના નવા માર્ગ તરફ ઈશારો કરી રહી હોવાનું માનવામાં આવે છે.
(5:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
