News of Monday, 19th October 2026
પ્રીમિયર લીગમાં ભવિષ્યવાણીનું અદ્ભુત અચૂક નિશાન: બ્રાઇટનના ચાહકની આગાહી સાચી પડી, ડિએગો ગોમેઝે ૫૧ મીટર દૂરથી ફટકાર્યો અવિશ્વસનીય હાફવે-લાઇન ગોલ
ક્રિસ્ટલ પેલેસ સામેની મેચના બરાબર બે દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર ચાહકે કરી હતી ભવિષ્યવાણી; પ્રીમિયર લીગ અધિકારીઓ પણ આ સંયોગ જોઈને ચોંકી ઉઠ્યા

લંડન : ફૂટબોલ જગતમાં ક્યારેક એવા અદ્ભુત સંયોગો સર્જાતા હોય છે જે સૌને આશ્ચર્યચકિત કરી દે છે. પ્રીમિયર લીગની એક રોમાંચક મેચમાં બ્રાઇટન (Brighton) ક્લબના એક પ્રશંસકે કરેલી ભવિષ્યવાણી સો ટકા સાચી સાબિત થઈ છે. ક્રિસ્ટલ પેલેસ સામેની મેચના ઠીક બે દિવસ પહેલાં એક ચાહકે સોશિયલ મીડિયા પર એવી આગાહી કરી હતી કે મિડફિલ્ડર ડિએગો ગોમેઝ હાફવે-લાઇન પરથી શાનદાર ગોલ કરશે. અને રવિવારે રમાયેલી મેચમાં બિલકુલ એવું જ બનતા ફૂટબોલ જગતમાં ચર્ચાનો નવો દોર શરૂ થયો છે.
ઘટનાની વિગતો મુજબ, "HurzelersHat" નામના એક્સ (X) હેન્ડલ પરથી ૧૬ ઓક્ટોબરના રોજ પોસ્ટ કરવામાં આવી હતી કે, "રવિવાર ડિએગો ગોમેઝ માટે હાફવે-લાઇનથી ગોલ કરવાનો શ્રેષ્ઠ સમય હશે." જ્યારે રવિવારે બ્રાઇટન અને ક્રિસ્ટલ પેલેસ વચ્ચે મેચ રમાઈ, ત્યારે પેરાગ્વેયન મિડફિલ્ડર ડિએગો ગોમેઝે મેચની સાતમી મિનિટમાં જ વિરોધી ટીમના ગોલકીપર વોલ્ટર બેનિટેઝને પોતાની લાઇનથી આગળ જોયો અને અંદાજે ૫૧ મીટરના લાંબા અંતરેથી અદભુત શૉટ ફટકારીને બોલને સીધો નેટમાં પહોંચાડી દીધો. ચાહકની આ સચોટ આગાહી જોઈને ખુદ પ્રીમિયર લીગનું સત્તાવાર હેન્ડલ પણ ચોંકી ગયું હતું અને "તમને કેવી રીતે ખબર પડી?!" તેવા પ્રશ્ન સાથેની પોસ્ટ શેર કરી હતી, જે ભારે વાયરલ થઈ રહી છે.
જોકે, આશ્ચર્યની વાત એ છે કે આ અદ્ભુત ભવિષ્યવાણી કરનાર ચાહકે આ ગોલ પર કોઈ સટ્ટો કે બેટિંગ લગાવી ન હતી, પરંતુ મેચ બાદ તેની આ પોસ્ટ ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગઈ હતી. મેચની વાત કરીએ તો, બ્રાઇટને ક્રિસ્ટલ પેલેસ સામે ૫-૦ ના મોટા અને શાનદાર માર્જિનથી ભવ્ય વિજય મેળવ્યો હતો. મેચની શરૂઆતની દસ મિનિટમાં જ બ્રાઇટને ત્રણ ગોલ ફટકારી દીધા હતા, જેમાં ગોમેઝનો આ ઐતિહાસિક હાફવે-લાઇન ગોલ મેચનું સૌથી મોટું આકર્ષણ બન્યો હતો.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭માં વેસ્ટ હેમ સામે વેઇન રૂનીએ ૫૮ મીટરના અંતરેથી ગોલ કર્યો હતો, ત્યારબાદ પ્રીમિયર લીગના ઈતિહાસમાં લાંબા અંતરથી કરવામાં આવેલો આ બીજો સૌથી લાંબો અને યાદગાર ગોલ બની ગયો છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
