તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
એશિયન ગેમ્સ ૨૦૨૬માં મોટી ક્ષતિ: દક્ષિણ કોરિયાની હોકી મેચ દરમિયાન ભૂલથી ઉત્તર કોરિયાનું રાષ્ટ્રગીત વાગતા આયોજકોએ માંગી માફી
જાપાનના ગિફુ સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશ સામેની મેચ અગાઉ સર્જાયેલી આ ગંભીર ભૂલને લઈને કોરિયન ઓલિમ્પિક કમિટીએ નોંધાવી સત્તાવાર ફરિયાદ: ભવિષ્યમાં પુનરાવર્તન ન કરવા કડક માંગ

નાગોયા (જાપાન): એશિયન ગેમ્સ ૨૦૨૬ દરમિયાન રમતગમતના મેદાન પરથી એક અત્યંત આશ્ચર્યજનક અને મોટી લાપરવાહીના સમાચાર સામે આવ્યા છે. જાપાનના આઈચી-નાગોયા ખાતે ચાલી રહેલી એશિયન ગેમ્સમાં દક્ષિણ કોરિયાની હોકી મેચ પહેલાં ભૂલથી ઉત્તર કોરિયાનું રાષ્ટ્રગીત વગાડી દેવામાં આવતા મોટો વિવાદ સર્જાયો છે. 'યોનહાપ' એજન્સીના અહેવાલ મુજબ, શુક્રવારે ગિફુ પ્રીફેક્ચરલ ગ્રીન સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશ સામેની પુરુષોની પૂલ 'એ' ની મેચ શરૂ થવાની હતી, તે પહેલાં પ્રોટોકોલ મુજબ દક્ષિણ કોરિયાનું રાષ્ટ્રગીત વગાડવાનું હતું, પરંતુ તેના બદલે આયોજકોની ગફલતથી ઉત્તર કોરિયાનું રાષ્ટ્રગીત વાગવા લાગ્યું હતું. જોકે, આ ગંભીર ભૂલ ધ્યાનમાં આવ્યા બાદ આયોજકોએ તાત્કાલિક બાંગ્લાદેશ અને ત્યારબાદ દક્ષિણ કોરિયાનું સાચું રાષ્ટ્રગીત વગાડીને સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનાને કારણે રમતગમતના વર્તુળોમાં ભારે રોષ ફેલાયો છે અને દક્ષિણ કોરિયાની રમતગમત સંચાલક સંસ્થા (KSOC) દ્વારા તરત જ આયોજક સમિતિ સમક્ષ સત્તાવાર અને કડક વિરોધ નોંધાવવામાં આવ્યો છે. KSOC એ આ મામલે સત્તાવાર માફીની માંગ કરવાની સાથે ભવિષ્યમાં આવી ગંભીર ભૂલોનું પુનરાવર્તન અટકાવવા માટે નક્કર પગલાં ભરવા તાકીદ કરી હતી. સ્થિતિની ગંભીરતા જોતા તે જ દિવસે રાત્રે આયોજક સમિતિના બે ઉચ્ચ અધિકારીઓએ દક્ષિણ કોરિયાની ટીમની ઓફિસની મુલાકાત લીધી હતી અને આ આંતરરાષ્ટ્રીય સ્તરની ક્ષતિ બદલ બેહાથ જોડીને માફી માંગી હતી.
આંતરરાષ્ટ્રીય મંચ પર રાષ્ટ્રપ્રીત અને રાષ્ટ્રગીતનું અપમાન અસ્વીકાર્ય: KSOC પ્રમુખ
આ મામલે પ્રતિક્રિયા આપતા KSOC ના પ્રમુખ રિયુ સેઉંગ-મિને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટ્સમાં દેશના સન્માન અને પ્રતીક સમાન રાષ્ટ્રગીતનું ખોટી રીતે પ્રદર્શન કરવું એ તદ્દન અસ્વીકાર્ય છે અને તેમની સંસ્થા આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દક્ષિણ કોરિયાના ખેલાડીઓ રમતો સિવાયના આવા બિનજરૂરી વિવાદોથી વિચલિત થયા વિના માત્ર પોતાની રમત પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે તે માટે પ્રયાસો ચાલુ રહેશે, પરંતુ સાથે જ આયોજકોએ આ ઘટના પાછળના વાસ્તવિક કારણોની ઊંડી તપાસ કરવી પડશે.
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
