તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૫ શુક્રવાર
News of Saturday, 27th June 2026
બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને મેદાન પર લાગ્યો સૌથી મોટો ડાઘ: 8 ઓવરમાં આપી દીધા 125 રન : બન્યો શરમજનક રેકોર્ડ
આયર્લેન્ડ સામે બેલફાસ્ટમાં રમાયેલી T20I મેચમાં ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા માટે મેદાન પરનું વાતાવરણ અત્યંત કપરૂં સાબિત થયું

ભારતીય ટીમ માટે 26 જૂનનો દિવસ એક એવો અનુભવ લઈને આવ્યો જે ભારતીય ચાહકો જ નહીં, પણ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા પણ ક્યારેય યાદ રાખવા નહીં માંગે. આયર્લેન્ડ સામે બેલફાસ્ટમાં રમાયેલી T20I મેચમાં ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા માટે મેદાન પરનું વાતાવરણ અત્યંત કપરૂં સાબિત થયું હતું.
ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં સતત બે મેચમાં સૌથી વધુ રન લૂંટાવનારા બોલર તરીકે હવે પ્રસિદ્ધ કૃષ્ણાનું નામ સામેલ થઈ ગયું છે. આયર્લેન્ડ સામેની મેચમાં તેણે પોતાના 4 ઓવરના ક્વોટામાં 57 રન આપી દીધા અને એક પણ વિકેટ મેળવી શક્યો નહીં. આ આંકડા તેના માટે કેટલા આઘાતજનક છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, 2023માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેણે 68 રન આપ્યા હતા. આ બંને મેચોને ગણતા, પ્રસિદ્ધે માત્ર 8 ઓવરમાં કુલ 125 રન ખર્ચ્યા છે જે કોઈપણ બોલર માટે શરમજનક રેકોર્ડ ગણાય.
મેચ દરમિયાન પ્રસિદ્ધ કૃષ્ણા સતત પોતાની લય શોધવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. જ્યારે કેપ્ટને તેને 7મી ઓવરમાં દડો સોંપ્યો, ત્યારે તેણે શરૂઆત ઠીક કરી હતી પરંતુ ઓવરના અંત સુધીમાં બે સિક્સર સાથે 14 રન આપી દીધા.
ખાસ કરીને 17મી ઓવરમાં તો પ્રસિદ્ધ કૃષ્ણા સંપૂર્ણપણે બેઅસર સાબિત થયો. આયર્લેન્ડના બેટ્સમેન ગેરેથ ડેલની સામે તેની યોર્કર અને સ્લોઅર બોલ ફેંકવાની રણનીતિઓ નિષ્ફળ ગઈ હતી. આ ઓવરમાં તેને કુલ 27 રન આપ્યા જે આયર્લેન્ડ સામે કોઈ પણ ભારતીય બોલર દ્વારા ફેંકવામાં આવેલી સૌથી મોંઘી ઓવર બની ગઈ. પહેલા બોલ પર ચોગ્ગો અને ત્યારબાદ એક સિંગલ બાદ વધુ એક ચોગ્ગો અને ત્રણ સિક્સર વાગતા સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
પ્રસિદ્ધ કૃષ્ણા માટે આ પ્રદર્શન એક વેક-અપ કોલ સમાન છે. એક તરફ જ્યાં ટીમ ઈન્ડિયાના યુવા બોલરો પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા છે, ત્યારે પ્રસિદ્ધનું આ રીતે મોંઘા સાબિત થવું તેની ટીમમાં ભવિષ્યની જગ્યા પર પણ સવાલો ઉભા કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આગામી મેચોમાં તે પોતાની ભૂલો સુધારીને કેવી રીતે વાપસી કરે છે.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
