News of Saturday, 1st August 2026
CWG ૨૦૨૬માં બોક્સર જદુમણિ સિંહે ભારત માટે જીત્યો ચમકતો સિલ્વર મેડલ: સફળતાનો શ્રેય દિગ્ગજ બોક્સર સરિતા દેવીને આપતાં કહ્યું- "તેમણે જ મને સફળ રમતવીર બનતા શીખવ્યું!"
પુરુષોના ૫૫ કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના જાય ડિક્સન સામે કડક ટક્કર બાદ જદુમણિએ દેશનું નામ રોશન કર્યું; ગ્લાસગોમાં ડેબ્યૂ રમીને રચ્યો નવો ઈતિહાસ

ગ્લાસગો : સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતના ૨૨ વર્ષીય યુવા બોક્સર જદુમણિ સિંહે પુરુષોની ૫૫ કિલોગ્રામ બોક્સિંગ કેટેગરીમાં સિલ્વર મેડલ (રજત પદક) પોતાના નામે કરીને દેશનું નામ રોશન કર્યું છે. શનિવારે રમાયેલી હાઇ-વોલ્ટેજ ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના જાય ડિક્સન સામે કડક મુકાબલા બાદ જદુમણિએ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. પોતાની આ ઐતિહાસિક સફળતા બાદ જદુમણિએ ભારતની અનુભવી અને દિગ્ગજ મહિલા બોક્સર સરિતા દેવી ને તેમના માર્ગદર્શક ગણાવતા ભાવુક આભાર વ્યક્ત કર્યો હતો.
"બાળપણથી જ સરિતા મેડમ મારો આધારસ્તંભ રહ્યા છે"
ફાઇનલ મેચ પૂરી થયા બાદ પોતાની સફરને યાદ કરતાં જદુમણિએ કહ્યું કે, "સરિતા દેવી મેડમે મારા બાળપણથી જ મારી કારકિર્દીને આકાર આપવામાં મોટો ભાગ ભજવ્યો છે. મારો ડાયેટ ચાર્ટ હોય, ટ્રેનિંગ સેશન હોય કે માનસિક રીતે મજબૂત બનવાનું હોય, તેમણે દરરોજ વીડિયો કોલ કરીને મને રમત પ્રત્યે સાચો અભિગમ રાખતાં શીખવ્યું છે. આ સમગ્ર કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન પણ તેઓ મારી દરેક મેચનું વિશ્લેષણ કરતા અને મને ભૂલો સુધારીને રિંગમાં ઉતરવાની પ્રેરણા આપતા હતા. તેમનો આ અટલ વિશ્વાસ જ મારી સફળતાનું રહસ્ય છે."
ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન બોક્સર સામે રણનીતિક ટક્કર
૫૫ કિગ્રા વજન વર્ગની ફાઇનલ મેચમાં જદુમણિએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવીને ઓસ્ટ્રેલિયાના જાય ડિક્સન પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ રાઉન્ડ સુધી ચાલેલી આ રોમાંચક સ્પર્ધામાં ડિક્સનની રક્ષણાત્મક શિસ્ત અને ચોક્કસ કાઉન્ટર-પંચિંગ નિર્ણાયક સાબિત થયા હતા. જદુમણિએ છેલ્લી સેકન્ડ સુધી લડત આપી હતી, પરંતુ પોઇન્ટ્સના આધારે નિર્ણાયકોએ ડિક્સનને વિજેતા જાહેર કર્યો હતો.
પાકિસ્તાન અને ઝામ્બિયાના બોક્સરોને હરાવી મેળવી હતી ફાઇનલમાં એન્ટ્રી
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં જદુમણિનો ફાઇનલ સુધીનો પ્રવાસ અદ્ભુત રહ્યો હતો. તેણે પોતાના પ્રથમ મુકાબલામાં સ્કોટલેન્ડના એરોન કુલેનને પરાજય આપ્યો હતો, ત્યારબાદ રાઉન્ડ ઓફ ૧૬ માં પાકિસ્તાનના સક્ષમ બોક્સર સુમામા રહેમાનને ધૂળ ચાટતી કરી હતી. ક્વાર્ટર ફાઇનલમાં ઝામ્બિયાના મ્વેન્ગો મ્વેલે અને સેમિફાઇનલમાં નામિબિયાના ફિલિપ હાઓસેબને હરાવીને તેણે ગોલ્ડ મેડલની રેસમાં સ્થાન બનાવ્યું હતું.
હવે એશિયન ગેમ્સમાં ગોલ્ડ પર નિશાન
ગોલ્ડ મેડલ સહેજ માટે ચૂકી ગયા હોવા છતાં, જદુમણિએ ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું કે, "દેશ માટે સિલ્વર મેડલ જીતીને હું ખુશ છું, પણ મારો ધ્યેય ગોલ્ડ જીતવાનો હતો. આ મેડલે મારા આત્મવિશ્વાસને બમણો કર્યો છે. હવે મારું આગામી લક્ષ્ય મારી ભૂલો સુધારીને આગામી એશિયન ગેમ્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતવાનું છે."
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
