તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Wednesday, 1st July 2026
વૈભવ સૂર્યવંશીના સવાલ પર કેપ્ટન શ્રેયસ ઐયર પ્રેસ કોન્ફરન્સમાં ભડક્યા: 'આટલો ઘમંડ સારો નથી, કેપ્ટન...' કહી ચાહકોએ સોશિયલ મીડિયા પર આડે હાથ લીધા
આયર્લેન્ડ સામે શરમજનક હાર બાદ ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલા કેપ્ટનના વલણથી ક્રિકેટપ્રેમીઓ નારાજ; સુનીલ ગાવસ્કર અને મોહમ્મદ કૈફે પણ મેનેજમેન્ટના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમમાં હાલ કેપ્ટનશીપના બદલાવ અને યુવા ખેલાડીઓની બાદબાકીને લઈને મોટો વિવાદ સર્જાયો છે. આયર્લેન્ડ સામેની બે મેચની ટી૨૦ શ્રેણી ૨-૦થી હાર્યા બાદ હવે ટીમ ઇન્ડિયા બુધવાર, ૧ જુલાઈના રોજ ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટી૨૦ શ્રેણીની પ્રથમ મેચ રમવા જઈ રહી છે. જોકે, આ મેચ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ટી૨૦ ટીમના નવા કેપ્ટન શ્રેયસ ઐયરે યુવા સન્સેશન વૈભવ સૂર્યવંશી વિશે આપેલા જવાબોને કારણે ચાહકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે અને સોશિયલ મીડિયા પર તેને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
જ્યારે પત્રકારોએ ઐયરને પૂછ્યું કે, "શું વૈભવ સૂર્યવંશીની આસપાસ ચાલી રહેલી ચર્ચાઓ અને હાઇપને સંભાળવો કોચ અને કેપ્ટન માટે મુશ્કેલ છે?" ત્યારે ઐયરે તદ્દન ઉદાસીન વલણ અપનાવતા કહ્યું, "મને એવું કંઈ દેખાતું નથી. હું તમારા સમાચારોને ફોલો કરતો નથી. હું ઇન્સ્ટાગ્રામ કે અન્ય કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય નથી, તેથી મેં આવું કંઈ સાંભળ્યું જ નથી." આટલું જ નહીં, જ્યારે તેને પૂછવામાં આવ્યું કે આટલા રન બનાવવા છતાં વૈભવ બેન્ચ પર બેઠો છે તો શું તેને તક આપવી મુશ્કેલ છે? ત્યારે ઐયરે બચાવ કરતા કહ્યું કે, "ટીમના દરેક ખેલાડીએ પ્રદર્શન કર્યું છે. વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓને સપોર્ટ કરવો જરૂરી છે અને અમારું ટીમ કોમ્બિનેશન શું હશે તે અમે વિરોધી ટીમને વહેલા તે વહેલા જણાવવા માંગતા નથી."
"આ કેવા પ્રકારનું વલણ છે? નવો કેપ્ટન આટલા ઘમંડ સાથે જવાબ આપી રહ્યો છે. થોડી નમ્રતા રાખવી જરૂરી છે."
— સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકોનો આક્રોશ
બીજી તરફ, ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે વૈભવની પ્રશંસા કરતા કહ્યું કે, "વૈભવ સૂર્યવંશી એક શાનદાર અને અતિ પ્રતિભાશાળી ખેલાડી છે અને અમે તેને રોકવા માટે ખાસ વ્યૂહરચના તૈયાર કરી છે." ઇંગ્લિશ કેપ્ટનના આ નિવેદન બાદ ભારતીય ચાહકો શ્રેયસ ઐયરના વલણથી વધુ નારાજ થયા છે.
દિગ્ગજો પણ મેનેજમેન્ટ પર વરસ્યા
વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન મળવા બદલ ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું કે, "વૈભવના ફોર્મને જોતાં તેને બંને મેચમાં રમાડવો જોઈતો હતો. ભલે તે ૧૦-૧૫ રન જ બનાવત, પણ આ યુવા ખેલાડીની કસોટી કરવાની શ્રેષ્ઠ તક હતી." જ્યારે પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે તીખો સવાલ કરતા કહ્યું કે, "જો શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન પસંદ કરવામાં આવી હોત તો ૧૫ વર્ષના વૈભવનું નામ તેમાં ચોક્કસ હોત. તે IPLમાં ઓરેન્જ કેપ જીતી ચૂક્યો છે અને ક્રિસ ગેઇલના રેકોર્ડની બરાબરી કરવાની નજીક હતો. જો તમે ભવિષ્ય તરફ જોઈ રહ્યા હોવ તો વૈભવથી મોટો ખેલાડી કોણ હોઈ શકે?"
વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ પણ સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવ્યો હતો કે, "શું વૈભવ સૂર્યવંશીને માત્ર બેન્ચ ગરમ કરવા કે ટીવી પર શ્રેણીના માર્કેટિંગ માટે આયર્લેન્ડ લઈ જવામાં આવ્યો હતો? આવી અદભુત પ્રતિભાને ચમકવાની પૂરી તક મળવી જોઈએ." ઉલ્લેખનીય છે કે, સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતે આ વર્ષે ટી૨૦ વર્લ્ડ કપ જીત્યો હોવા છતાં, તેમને આ શ્રેણીમાંથી બહાર કરી શ્રેયસ ઐયરને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે, જેને લઈને પહેલેથી જ વિવાદ ચાલી રહ્યો છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
