News of Sunday, 24th May 2026
વાનખેડેમાં બાળકોનો મહાસૈલાબ, રિલાયન્સ ફાઉન્ડેશનની ઐતિહાસિક ઉદારતા: મુંબઈ ઇન્ડિયન્સને ચીયર કરવા સ્ટેડિયમમાં ગૂંજશે ૨૦,૦૦૦થી વધુ માસૂમ બાળકોનો કિલકિલાટ
૧૬ વર્ષમાં ૨.૮ કરોડ બાળકોના જીવનમાં ઉજાસ પાથરતી 'ESA' પહેલનો અદ્ભુત ચમત્કાર: ઇતિહાસમાં પહેલીવાર ૧૦૦ દૃષ્ટિહીન બાળકો પણ લાઈવ ક્રિકેટ મેચના અનોખા રોમાંચનો ભાગ બનશે

મુંબઈ: આઈપીએલ ૨૦૨૬ ની હાઈ-વોલ્ટેજ સીઝન વચ્ચે આજે વાનખેડે સ્ટેડિયમ ખાતે માત્ર ચોગ્ગા-છગ્ગાની આતશબાજી જ નહીં, પરંતુ માનવતા અને શ્રદ્ધાનો એક અનોખો સંગમ પણ જોવા મળશે. નીતા અંબાણીની આગેવાની હેઠળના રિલાયન્સ ફાઉન્ડેશનની પ્રખ્યાત 'એજ્યુકેશન ઍન્ડ સ્પોર્ટ ફૉર ઑલ' (ESA) અનોખી પહેલ હેઠળ, આજે રાજસ્થાન રોયલ્સ સામેની બપોરની રોમાંચક મેચ દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં ૨૦,૦૦૦ થી વધુ વંચિત અને જરૂરિયાતમંદ બાળકો મુંબઈ ઇન્ડિયન્સની ટીમને સપોર્ટ કરવા માટે ખાસ હાજર રહેશે. દર વર્ષની પરંપરા મુજબ આ વખતે પણ આ માસૂમ બાળકોના ગણગણાટ અને ઉત્સાહથી આખું સ્ટેડિયમ ગુંજી ઉઠશે, જે રમતગમત જગતમાં સામાજિક જવાબદારીનું એક ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આ ભવ્ય આયોજન માટે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતના અંતરિયાળ વંચિત વર્ગો, આદિવાસી સમુદાયો અને નાના ગામડાંઓમાંથી બાળકોને આંતરરાષ્ટ્રીય સ્તરના સ્ટેડિયમ સુધી લાવવા માટે તમામ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ વર્ષની ઇવેન્ટમાં સૌથી હૃદયસ્પર્શી બાબત એ છે કે ઇતિહાસમાં પહેલીવાર 'નેશનલ અસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ' (NAB) ના ૧૦૦ દૃષ્ટિહીન બાળકો પણ આ અદ્ભુત અનુભવનો જીવંત ભાગ બનવા જઈ રહ્યા છે. આ દૃષ્ટિહીન બાળકો સ્ટેડિયમમાં બેસીને મેચના વાતાવરણ, દર્શકોના શોરબકોર અને રમતની ક્ષણે-ક્ષણના રોમાંચને પોતાના હૃદયથી અનુભવશે, જે તેમના જીવનની સૌથી યાદગાર ક્ષણ બની રહેશે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ૧૬ વર્ષના લાંબા સમયગાળામાં રિલાયન્સ ફાઉન્ડેશનની આ લોકપ્રિય 'ESA' પહેલે ભારતનાં તમામ ૨૮ રાજ્યોમાં શિક્ષણ અને રમતગમતના માધ્યમથી ૨.૮ કરોડથી વધુ બાળકોના જીવનને સકારાત્મક રીતે પ્રભાવિત કર્યા છે અને તેમના સપનાઓને નવી પાંખો આપી છે. રમતગમતની શક્તિનો ઉપયોગ કરીને સમાજના છેવાડાના બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવાનો આ સેવાયજ્ઞ દર વર્ષે વધુ મજબૂત બની રહ્યો છે. આજે જ્યારે હાર્દિક પંડ્યા અને રોહિત શર્માની મુંબઈ પલટન મેદાનમાં ઉતરશે, ત્યારે સ્ટેડિયમમાં હાજર આ ૨૦,૦૦૦ થી વધુ બાળકોનો નિઃસ્વાર્થ પ્રેમ અને સપોર્ટ ખેલાડીઓનો ઉત્સાહ બમણો કરવા માટે સૌથી મોટું હથિયાર સાબિત થશે.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
