<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ માં ભારતનો ઐતિહાસિક ડંકો: ડુંગળીના ખેડૂતનો દીકરો સર્વેશ કુશારે બન્યો હાઈ જમ્પમાં સિલ્વર જીતનારો પ્રથમ ભારતીય!

૨.૨૫ મીટરની ઊંચી કૂદ લગાવીને દેશનું નામ રોશન કર્યું: મકાઈના ભૂસા અને કપાસ પર ટ્રેનિંગ શરૂ કરનાર કુશારેએ રચ્યો નવો ઇતિહાસ; તેજસ્વિન શંકરના રેકોર્ડને પણ વટાવ્યો

ગ્લાસગો, તા.28: કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ (CWG 2026) માં ભારતીય એથ્લેટ્સ સતત નવો ઇતિહાસ રચી રહ્યા છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના દેવરગાંવ ગામના એક સામાન્ય ડુંગળીના ખેડૂતના પુત્ર સર્વેશ કુશારે પુરુષોની હાઈ જમ્પ (ઊંચી કૂદ) સ્પર્ધામાં ૨.૨૫ મીટરનો શાનદાર જમ્પ લગાવીને સિલ્વર મેડલ (રજત પદક) પોતાના નામે કર્યો છે. આ સાથે જ સર્વેશ કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં પુરુષોની હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીતનારો પ્રથમ ભારતીય એથ્લીટ બની ગયો છે.

કાઉન્ટબેક પર નક્કી થયો ગોલ્ડ, જમૈકાના બેકફોર્ડે માર્યો માર

આ રોમાંચક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા માટે સર્વેશ કુશારે અને જમૈકાના રોમેન બેકફોર્ડ બંને ૨.૨૫ મીટરની ઊંચાઈ સર કરી ચૂક્યા હતા. તે પછી બંને ખેલાડીઓ ૨.૨૮ મીટરનો જમ્પ લગાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આથી નિયમો મુજબ 'કાઉન્ટબેક' (ઓછા પ્રયાસો) ના આધારે ગોલ્ડ મેડલનો નિર્ણય લેવાયો, જેમાં રોમેન બેકફોર્ડને ગોલ્ડ અને સર્વેશને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ઇંગ્લેન્ડના કિમાની જેકે ૨.૨૦ મીટર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે અન્ય ભારતીય ખેલાડી આદર્શ રામ ૨.૧૫ મીટર સાથે પાંચમા ક્રમે રહ્યો હતો.

ખેતરના કચરામાંથી શરૂ થયેલી સફર પોડિયમ સુધી પહોંચી

સર્વેશ કુશારેની આ સફળતા પાછળ તેની અદભુત સંઘર્ષગાથા છુપાયેલી છે. બચપનમાં તેની પાસે પ્રોફેશનલ ટ્રેનિંગ સુવિધાઓ નહોતી. તેના પિતા અને કોચે ખેતરમાં જ મકાઈના ભૂસા, કપાસ અને કૃષિ કચરામાંથી ઉતરાણ માટેના દેશી 'લેન્ડિંગ પિટ્સ' બનાવ્યા હતા, જેના પર પ્રેક્ટિસ કરીને તેણે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તાજેતરમાં મોનાકો ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત ડાયમંડ લીગમાં પણ પોડિયમ ફિનિશ (ત્રીજું સ્થાન) મેળવનારો તે પ્રથમ ભારતીય હાઈ જમ્પર બન્યો હતો.

તેજસ્વિન શંકરના બ્રોન્ઝ રેકોર્ડને વટાવ્યો

આ પહેલાં ૨૦૨૨ બર્મિંગહામ ગેમ્સમાં ભારતના તેજસ્વિન શંકરે હાઈ જમ્પમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જે ત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ હતો. સર્વેશ કુશારેએ સિલ્વર મેડલ જીતીને તેજસ્વિનનો રેકોર્ડ પણ વટાવી દીધો છે. નોંધનીય છે કે તેજસ્વિન શંકરે પણ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો, પરંતુ આ અઠવાડિયે રમાનારી ડેકાથલોન સ્પર્ધા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેણે સાવચેતીના ભાગરૂપે શરૂઆતના પ્રયાસ બાદ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

 

(4:56 PM IST)