News of Thursday, 29th October 2026
કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ :સેમિફાઈનલમાં ભારત સામે શ્રીલંકાનો મુકાબલો :યુગાન્ડાની મહિલા ટીમ ટોપ-4માં પહોંચી
પુરુષ વિભાગમાં કેન્યાએ કેનેડાને 49-20થી હરાવી ગ્રુપ Bમાં પોતાની અજેય યાત્રા યથાવત રાખી

અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બુધવારે યોજાયેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026ના છઠ્ઠા દિવસે મહિલા વિભાગની લીગ તબક્કાની સ્પર્ધા પૂર્ણ થઈ હતી. યુગાન્ડાની મહિલા ટીમે નાઇજિરિયા સામેની જીત સાથે સેમિફાઇનલનું છેલ્લું સ્થાન નિશ્ચિત કર્યું હતું અને તેની સાથે મલેશિયાની મહિલા ટીમની આશાઓનો અંત આવ્યો હતો. હવે મહિલા વિભાગની સેમિફાઇનલ મુકાબલાની સ્થિતિ સ્પષ્ટ થઈ છે. ગ્રુપ Aમાં ટોચ પર રહેલી ભારતીય મહિલા ટીમ ગ્રુપ Bની રનર્સ-અપ શ્રીલંકાની મહિલા ટીમ સામે ટકરાશે. જ્યારે ગ્રુપ Bમાં ટોચ પર રહેલી કેન્યાની મહિલા ટીમ 30 ઓક્ટોબરે ગ્રુપ Aની રનર્સ-અપ યુગાન્ડાની મહિલા ટીમ સામે ટકરાશે.
બીજી તરફ, પુરુષ વિભાગમાં કેન્યા, મલેશિયા, બાંગ્લાદેશ, યુગાન્ડા અને શ્રીલંકાએ જીત નોંધાવી હતી, જ્યારે શ્રીલંકાની પુરુષ ટીમે પણ નોકઆઉટ તબક્કામાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. બાંગ્લાદેશની મહિલા ટીમે ઇંગ્લેન્ડની મહિલા ટીમને 79-13થી કારમી હાર આપી હતી.આ જીત સાથે બાંગ્લાદેશના ખાતામાં 4 પોઈન્ટ થયા હતા, પરંતુ સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે તે પૂરતા સાબિત થયા નહોતા. યુગાન્ડાની મહિલા ટીમે નાઇજિરિયાની મહિલા ટીમને 65-22થી હરાવી સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
પુરુષ વિભાગમાં કેન્યાએ કેનેડાને 49-20થી હરાવી ગ્રુપ Bમાં પોતાની અજેય યાત્રા યથાવત રાખી હતી. કેનેડા તરફથી મનપ્રીત સિંહ 10 પોઈન્ટ સાથે સર્વોચ્ચ સ્કોરર રહ્યો હતો, પરંતુ કેનેડાની ટીમ કુલ 13 રેડ પોઈન્ટ જ મેળવી શકી હતી. પુરુષ વિભાગમાં મલેશિયાએ નાઇજિરિયાને 78-13થી કારમી હાર આપી હતી. રવિચંદ્રન શિવાબાલને શાનદાર પ્રદર્શન કરતાં 18 રેડમાંથી 23 પોઈન્ટ મેળવ્યા હતા, જેમાં 7 બોનસ પોઈન્ટનો સમાવેશ થાય છે. પુરુષ વિભાગમાં બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને 69-31થી હરાવ્યું હતું. ગોલ્ડર દિપાયોને 18 રેડમાંથી 21 પોઈન્ટ મેળવી બાંગ્લાદેશના પ્રદર્શનની આગેવાની કરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી દિવજોત સિંહ 12 પોઈન્ટ સાથે સર્વોચ્ચ સ્કોરર રહ્યો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમ સમગ્ર મેચ દરમિયાન માત્ર 1 ટૅકલ પોઈન્ટ જ મેળવી શકી હતી.
પુરુષ વિભાગમાં યુગાન્ડાએ દિવસની સૌથી નજીકની અને રોમાંચક મેચમાં તાન્ઝાનિયાને 35-28થી હરાવ્યું હતું. પુરુષ વિભાગમાં શ્રીલંકાએ ઇંગ્લેન્ડને 50-22થી હરાવી સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું અને સાથે જ ગ્રુપ Aમાં પોતાનો અપરાજિત રેકોર્ડ પણ જાળવી રાખ્યો હતો. ભારતીય પુરુષ ટીમ ગ્રુપ Aની અંતિમ મેચમાં હવે શ્રીલંકા સામે ટકરાશે, જ્યાં તેની પાસે પોતાના ગ્રુપમાં ટોચનું સ્થાન નિશ્ચિત કરવાની તક હશે.
(12:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
