તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
બ્લાઇન્ડ ક્રિકેટ એશિયા કપ ફાઈનલમાં વિવાદ: પાકિસ્તાનને એકમાત્ર વિજેતા જાહેર કરાતા ભારતનો ટ્રોફી સમારોહનો બહિષ્કાર
ઢાકામાં વરસાદને કારણે ફાઈનલ રદ, નેટ રન રેટના આધારે નિર્ણય સામે CABI નો વાંધો, સંયુક્ત વિજેતા જાહેર કરવાની માંગ.

નવી દિલ્હી : મેન્સ બ્લાઇન્ડ ક્રિકેટ એશિયા કપ ૨૦૨૬ ની ફાઈનલ મેચ વરસાદને કારણે રદ થયા બાદ પાકિસ્તાનને એકમાત્ર વિજેતા જાહેર કરાતા વિવાદ સર્જાયો છે અને ભારતીય ટીમે ટ્રોફી વિતરણ સમારોહનો બહિષ્કાર કર્યો છે.
અહેવાલો મુજબ, શુક્રવારે ઢાકામાં સતત વરસાદને કારણે એક પણ બોલ ફેંકાયા વિના ફાઈનલ મેચ રદ કરાઈ હતી, ત્યારબાદ મેચ રેફરીએ વધુ સારા નેટ રન રેટના આધારે પાકિસ્તાનને ટ્રોફી આપી હતી.
ભારતીય ટીમે આ નિર્ણય સામે વિરોધ નોંધાવતાં ટ્રોફી સમારોહમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો અને મેચ પૂર્ણ ન થઈ હોવાથી બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવાની રજૂઆત કરી હતી.
ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયા (CABI) એ પણ આ નિર્ણયને નકારી કાઢતાં નિવેદનમાં જણાવ્યું હતું કે ટુર્નામેન્ટના નિયમો મુજબ બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરી શકાય છે અને ભારત-પાકિસ્તાન વચ્ચે ખિતાબ વહેંચવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે CABI એ વરસાદથી પ્રભાવિત ફાઈનલ બાદ બંને ફાઈનલિસ્ટ ટીમો સમાન માન અને સ્વીકૃતિ મેળવવાને પાત્ર હોવાની દલીલ કરીને એકલા પાકિસ્તાનને વિજેતા ગણાવવાના નિર્ણયની ટીકા કરી હતી.
હવે CABI ની રજૂઆત પર ટુર્નામેન્ટ આયોજકોનો પ્રતિસાદ, સંયુક્ત વિજેતા અંગેનો નિર્ણય અને વિવાદના ઉકેલ પર સૌની નજર રહેશે.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
