News of Wednesday, 9th September 2026
હોકી ઈન્ડિયામાં વિવાદનો વિસ્ફોટ: સેક્રેટરી ભોલા નાથ સામે ભૂતપૂર્વ કપ્તાન અસુન્તા લાકરાના ઉત્પીડનના આરોપોની તપાસ માટે IOAએ બનાવી હાઈપાવર કમિટી!
નિવૃત્ત હાઈકોર્ટ જજ દીપા શર્માના અધ્યક્ષપદે ચાર સભ્યોની સ્વતંત્ર તપાસ પેનલની રચના; રમતગમત મંત્રાલયના નિર્દેશ બાદ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની મોટી કાર્યવાહી

નવી દિલ્હી : ભારતીય રમતના રણંગણમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. ભારતીય મહિલા હોકી ટીમની ભૂતપૂર્વ કેપ્ટન અસુન્તા લાકરા દ્વારા હોકી ઈન્ડિયાના સેક્રેટરી ભોલા નાથ સિંહ સામે લગાવવામાં આવેલા ધાકધમકી અને માનસિક ઉત્પીડનના ગંભીર આરોપોની તપાસ માટે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)એ મોટી કાર્યવાહી કરી છે. નિવૃત્ત હાઈકોર્ટ જજ દીપા શર્માની આગેવાની હેઠળ ચાર સભ્યોની સ્વતંત્ર તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
દિગ્ગજ મહિલા રમતવીરો અને કાનૂની નિષ્ણાતો પેનલમાં સામેલ:
કેન્દ્રીય રમતગમત મંત્રાલયના કડક નિર્દેશ બાદ રચાયેલી આ હાઈપાવર કમિટીમાં હાઈકોર્ટના પૂર્વ જજ ઉપરાંત ભૂતપૂર્વ ટ્રેક-એન્ડ-ફીલ્ડ એથ્લેટ વંદના રાવ, ભૂતપૂર્વ મહિલા હોકી ટીમની કેપ્ટન મમતા ખાર્બ અને જાણીતા વકીલ સિત્વત નબીનો સમાવેશ થાય છે. IOA પ્રમુખ પીટી ઉષાએ હોકી ઈન્ડિયાને પત્ર લખીને આ તપાસ સમિતિને તમામ જરૂરી દસ્તાવેજો, માહિતી અને મુસાફરી તથા રહેઠાણ સંબંધિત તમામ સુવિધાઓ સમયસર ઉપલબ્ધ કરાવવાનો કડક આદેશ આપ્યો છે.
જાતીય સતામણી વિરુદ્ધ અવાજ ઉઠાવતા મળી ધમકીઓ:
હોકી ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય રહી ચૂકેલા અસુન્તા લાકરાનો આક્ષેપ છે કે તેમણે ઝારખંડમાં સ્થાનિક કોચ સુધીર ગોલ્લા દ્વારા સગીર મહિલા ખેલાડીઓ પર થયેલા કથિત જાતીય સતામણીના કેસનો વિરોધ કર્યો હતો. આ વિરોધ બાદ હોકી ઈન્ડિયાના સેક્રેટરી ભોલા નાથ સિંહે તેમને સતત ધમકાવવાનો અને તેમનું વહીવટી સ્તરે ઉત્પીડન કરવાનો પ્રયાસ કર્યો હતો.
સહાનુભૂતિ અને બદલાની રાજનીતિથી ગરમાયું વાતાવરણ:
બીજી તરફ, રાષ્ટ્રીય ફેડરેશનની નૈતિકતા સમિતિએ ઝારખંડની યુવા ખેલાડી અલબેલા રાની ટોપ્પોની ફરિયાદના આધારે અસુન્તા લાકરા સામે કારણદર્શક નોટિસ જારી કરી હતી. ટોપ્પોએ આક્ષેપ કર્યો હતો કે લાકરાએ તેની કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી હતી. જોકે, લાકરાએ તેને હોકી ઈન્ડિયાના સંચાલકોનો "બદલો લેવાનો અને માનસિક દબાણ બનાવવાનો સ્ટંટ" ગણાવ્યો હતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી, જેના પરિણામે આ આંતરરાષ્ટ્રીય સ્તરની તપાસ સમિતિની રચના થઈ છે.
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
