News of Friday, 17th July 2026
લંકા પ્રીમિયર લીગ શરૂ થાય તે પૂર્વે જ ક્રિકેટ જગત કલંકિત : ખેલાડીઓને લાંચ આપી ફિક્સિંગનો પ્રયાસ કરનાર ભારતના પૂર્વ અંડર-૧૯ ક્રિકેટર મનજોત કાલરાની શ્રીલંકામાં ધરપકડ
જાફના કિંગ્સ ફ્રેન્ચાઈઝીના સહ-માલિક મનજોત કાલરાએ મેચ ફિક્સિંગ માટે ખેલાડીઓનો સંપર્ક કરતાં ભાનુકા રાજપક્ષા, અવિષ્કા ફર્નાંડો અને દુનિથ વેલાલાગેએ કરી હતી ફરિયાદ : સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટે ૨૭ વર્ષીય ભારતીય ક્રિકેટરને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો

કોલંબો: શ્રીલંકામાં રમતગમત ક્ષેત્રે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન યુનિટે એક મોટી કાર્યવાહી કરીને ભારતના પૂર્વ અંડર-૧૯ ક્રિકેટર મનજોત કાલરાની ધરપકડ કરી લીધી છે. આ હાઈપ્રોફાઈલ મામલો લંકા પ્રીમિયર લીગ (LPL) ૨૦૨૬ની નવી સીઝન સાથે જોડાયેલો છે. મનજોત કાલરા એલપીએલની જાણીતી ફ્રેન્ચાઈઝી જાફના કિંગ્સના સહ-માલિક છે અને તેમના પર લીગમાં રમી રહેલા ખેલાડીઓને મેચ ફિક્સિંગ માટે લાંચ-રૂશ્વત આપવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ ચોંકાવનારી ધરપકડ એવા સમયે કરવામાં આવી છે જ્યારે લંકા પ્રીમિયર લીગની આગામી સીઝન ૧૭ જુલાઈથી જ શરૂ થઈ રહી છે, જેના કારણે ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ખેલાડીઓએ પ્રલોભન ફગાવી ઉચ્ચ અધિકારીઓને કરી હતી જાણ:
શ્રીલંકન પોલીસના સત્તાવાર નિવેદન અનુસાર, ૨૭ વર્ષીય મનજોત કાલરાએ લંકા પ્રીમિયર લીગની સિઝન શરૂ થવાના આશરે ૧૦ દિવસ પહેલા ખેલાડીઓનો સંપર્ક કરીને તેમને લાંચ આપવાનો અને પ્રલોભન આપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પ્રમાણિક ખેલાડીઓએ આ ગેરકાયદેસર ઓફરને ફગાવી દઈને તુરંત જ સમગ્ર મામલાની જાણ ક્રિકેટ બોર્ડના ઉચ્ચ અધિકારીઓને કરી દીધી હતી. ખેલાડીઓની ફરિયાદ બાદ રમતગમત સાથે સબંધિત ગુનાઓ પર લગામ કસવા માટે રચાયેલી ખાસ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન યુનિટે આ મામલે સઘન તપાસ શરૂ કરી હતી અને શુક્રવારે આ ભારતીય ક્રિકેટરની અટકાયત કરી લીધી હતી. ધરપકડ બાદ યુનિટે મનજોત કાલરાને સ્થાનિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરીને આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.
જાફના કિંગ્સના આ સ્ટાર ખેલાડીઓએ નોંધાવી ફરિયાદ:
પોલીસ વિભાગે વધુમાં ખુલાસો કર્યો છે કે, લંકા પ્રીમિયર લીગમાં જાફના કિંગ્સ ટીમ વતી રમી રહેલા પ્રખ્યાત ક્રિકેટર ભાનુકા રાજપક્ષા, અવિષ્કા ફર્નાંડો અને દુનિથ વેલાલાગેએ આ સમગ્ર મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, લંકા પ્રીમિયર લીગમાં મેચ ફિક્સિંગ કે ભ્રષ્ટાચારનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી, આ પૂર્વે પણ લીગ વિવાદોમાં રહી ચૂકી છે. ચાલુ વર્ષે જ અન્ય એક ફ્રેન્ચાઈઝીના માલિકે એક ખેલાડીને મેચ ફિક્સિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે ગુનો સાબિત થતાં તે ફ્રેન્ચાઈઝી માલિક પર ક્રિકેટ પ્રવૃત્તિઓથી ૪ વર્ષ સુધીનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતને વિજેતા બનાવનાર સદીવીર:
મનજોત કાલરાની ભૂતકાળની ક્રિકેટ કારકિર્દી પર નજર કરીએ તો તે ભારતની અંડર-૧૯ રાષ્ટ્રીય ટીમનો એક હોનહાર ખેલાડી રહી ચૂક્યો છે. વર્ષ ૨૦૧૮ના અંડર-૧૯ વર્લ્ડ કપની રોમાંચક ફાઈનલ મેચમાં તેણે ઓસ્ટ્રેલિયા સામે અદ્ભુત બેટિંગનું પ્રદર્શન કરીને અણનમ ૧૦૧ રનની સદી ફટકારી હતી અને ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ એ જ ઐતિહાસિક વર્લ્ડ કપ હતો જેમાં ભારતના વર્તમાન સ્ટાર ખેલાડીઓ શુભમન ગિલ અને પૃથ્વી શો પણ ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. એક સમયે દેશનું ગૌરવ વધારનાર ખેલાડી આજે વિદેશી ધરતી પર ફિક્સિંગના ગંભીર આરોપમાં જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
