News of Tuesday, 22nd September 2026
જાપાનમાં ક્રિકેટનો નવો ઉદય! ભારત સામેની મેચમાં ચાહકો માટે લવાયેલી વિશેષ 'ક્રિકેટ ગાઈડ' જોઈને સચિન તેંડુલકર થયા ખુશખુશાલ
'સુર્યોદયના દેશ'માં ક્રિકેટની સમજ આપતી બે પાનાની કલરફુલ ગાઈડ દર્શકોના ચહેરા પર લાવ્યા સ્મિત: ભારત-જાપાન મુકાબલા દરમિયાન અમ્પાયરના ઈશારાથી લઈને સ્કોરબોર્ડ વાંચવાની રીત સમજાવતી પત્રિકાઓ વહેંચાઈ

સાનો, તા.૨૨: ક્રિકેટના ભગવાન ગણાતા ભારતના મહાન ભૂતપૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકર હાલમાં જાપાનના સાનો (Sano) શહેરમાં ભારત અને જાપાન વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચ દરમિયાન સ્ટેડિયમનું અનોખું દ્રશ્ય જોઈને ભાવવિભોર થઈ ગયા હતા. જાપાનમાં નવા દર્શકોને ક્રિકેટની રમત સરળતાથી સમજાય તે માટે સ્ટેડિયમના પ્રવેશદ્વાર પર જ એક વિશેષ 'ક્રિકેટ ગાઈડ પત્રિકા' વહેંચવામાં આવી રહી હતી, જે જોઈને સચિને સોશિયલ મીડિયા પર જાપાન ક્રિકેટ બોર્ડ અને ચાહકોના દિલ ખોલીને વખાણ કર્યા છે.
સચિન તેંડુલકરે 'X' (અગાઉનું ટ્વિટર) પર આ ખાસ પત્રિકાનો ફોટો શેર કરતા લખ્યું કે, "ક્રિકેટને નવા દેશો અને સ્થળોએ વિકસતું જોવું એ ખૂબ જ ખાસ અનુભવ છે. ભારત અને જાપાન વચ્ચેની આ મેચ પોતે જ એક યાદગાર ઘટના છે, પરંતુ જે બાબતે મારા ચહેરા પર સ્મિત લાવી દીધું તે એ હતું કે દર્શકોને રમત સમજવા માટે ગાઈડ આપવામાં આવી રહી હતી. આપણે સૌએ ક્યારેક ને ક્યારેક આપણી જિંદગીની પહેલી ક્રિકેટ મેચ જોઈ જ હશે; હવે અન્ય લોકો પણ આ રમતનો આનંદ માણી રહ્યા છે તે જોઈને ખૂબ ખુશી થાય છે."
બે પાનાની રંગીન ગાઈડમાં શું હતું ખાસ?
જાપાની પ્રેક્ષકોમાં વહેંચાયેલી આ બે પાનાની ખાસ માર્ગદર્શિકામાં ક્રિકેટથી અજાણ લોકો માટે તમામ પ્રાથમિક માહિતી બહુ જ રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી હતી. જેમાં ૧૧-૧૧ ખેલાડીઓની ટીમ, T20 ફોર્મેટમાં ૨૦ ઓવરની રમત, દાવ (ઈનિંગ્સ) અને સ્કોરિંગની રીતો દર્શાવવામાં આવી હતી.
આ ઉપરાંત, ચિત્રો અને ગ્રાફિક્સના માધ્યમથી બોલર, બેટ્સમેન, વિકેટકીપર, અમ્પાયર અને ફિલ્ડિંગ પોઝિશન સમજાવવામાં આવ્યા હતા. દર્શકો મેચ દરમિયાન ગૂંચવાય નહીં તે માટે રન આઉટ, બોલ્ડ, કેચ આઉટ, હિટ વિકેટ અને લેગ બિફોર વિકેટ (LBW) જેવા નિયમો તેમજ અમ્પાયરના ફોર, સિક્સ, નો-બોલ અને આઉટના ઈશારાઓ તથા સ્કોરબોર્ડ વાંચવાની રીત સરળતાથી રજૂ કરાઈ હતી. જાપાનના આ અનોખા પ્રયાસે ક્રિકેટ જગતનું દિલ જીતી લીધું છે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
