News of Monday, 28th September 2026
ડેવિડ મિલરની તોફાની સદી અને કેપ્ટન બાવુમાની યાદગાર ઇનિંગ્સ: દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને ૩૨ રને હરાવી વન-ડે શ્રેણી પર કબ્જો જમાવ્યો
‘વાન્ડરર્સ’ ખાતે ૩૬૫ રનનો વિશાળ સ્કોર બનાવી આફ્રિકાએ શ્રેણીમાં ૨-૦થી અજય સરસાઈ મેળવી: જેક એડવર્ડ્સની ૫ વિકેટ અને માર્શ-હેડની ૮૪-૮૪ રનની ઇનિંગ્સ એળે ગઈ.

જોહાનિસબર્ગ : દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી વન-ડે મેચમાં 'કિલર મિલર' તરીકે જાણીતા ડેવિડ મિલરના કારકિર્દીના શ્રેષ્ઠ ૧૪૨ રન અને કેપ્ટન ટેમ્બા બાવુમાની શાનદાર ૧૦૩ રનની શતકીય ઇનિંગ્સની મદદથી દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે ૩૨ રને ધમાકેદાર જીત નોંધાવી છે. પ્રથમ બોલે જ માર્કરામની વિકેટ ગુમાવ્યા બાદ પણ દક્ષિણ આફ્રિકાએ વાન્ડરર્સના મેદાન પર ૩૬૫/૯નો સ્કોર ઊભો કર્યો હતો. આ જીત સાથે જ દક્ષિણ આફ્રિકાએ ૩ મેચોની વન-ડે શ્રેણીમાં ૨-૦ની અજેય સરસાઈ મેળવીને શ્રેણી પોતાના નામે કરી લીધી છે.
ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શનો નિર્ણય શરૂઆતમાં સાચો સાબિત થયો હતો. જોશ હેઝલવુડ અને બાર્ટલેટના સ્વિંગ સામે આફ્રિકાનો ટોપ ઓર્ડર ધ્વસ્ત થઈ ગયો હતો અને ટીમ ૯૩ રનમાં ૩ વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. જોકે, ત્યારબાદ બાવુમા અને મિલરે મળીને ઓસ્ટ્રેલિયન બોલરો પર આક્રમક વળતો પ્રહાર કર્યો હતો. બંને વચ્ચે ૧૫૬ રનની ભાગીદારી થઈ હતી. મિલરે માત્ર ૭૩ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને ૯૩ બોલમાં ૧૨ ચોગ્ગા અને ૯ છગ્ગાની મદદથી ૧૪૨ રનની તાબડતોબ ઇનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી જેક એડવર્ડ્સે ૬૭ રન આપીને ૫ વિકેટ ઝડપી હતી.
૩૬૬ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે વાવાઝોડા જેવી શરૂઆત કરી હતી. કેપ્ટન મિશેલ માર્શ (૮૪ રન) અને ટ્રેવિસ હેડ (૮૪ રન)ની ઓપનિંગ જોડીએ માત્ર ૧૭ ઓવરમાં ૧૩૦ રન ઝૂડી કાઢ્યા હતા. પરંતુ, પિચ સૂકાતાં જ દક્ષિણ આફ્રિકાના સ્પિનરોએ મેચનું પાસું પલટી નાખ્યું હતું. કેશવ મહારાજ, બ્યોર્ન ફોર્ચ્યુન અને એઇડન માર્કરામની સ્પિન ત્રિપુટીએ આફ્રિકાના ઘરઆંગણે રેકોર્ડ ૩૦ ઓવર સ્પિન બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાના મિડલ ઓર્ડરને ક્રિઝ પર ટકવા દીધો નહોતો.
છેલ્લા તબક્કામાં ઝેવિયર બાર્ટલેટે માત્ર ૨૬ બોલમાં અડધી સદી (૫૬ રન, ૫ સિક્સર) ફટકારીને આશ્ચર્યજનક લડત આપી હતી, પરંતુ લિઝાદ વિલિયમ્સ (૩/૫૪) અને માર્કો જેન્સનની ચુસ્ત બોલિંગના કારણે ઓસ્ટ્રેલિયાની આખી ટીમ ૪૯.૫ ઓવરમાં ૩૩૩ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓલરાઉન્ડ દેખાવ કરનાર દક્ષિણ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ગુમાવવી પડી હતી.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
