<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

ટીમ ઇન્‍ડિયામાં અસંતોષનો વિસ્‍ફોટઃ શ્રેયસ અય્‍યરને સીધી કેપ્‍ટનશિપ સોંપવાનો નિર્ણય પડ્‍યો ભારે!

ઇંગ્‍લેન્‍ડ પ્રવાસમાં રનચેઝ અને શરમજનક હાર વચ્‍ચે ડ્રેસિંગ રૂમના ખરાબ બોન્‍ડિંગ અને આંતરિક તાલમેલના અભાવ પર ઉઠ્‍યા ગંભીર સવાલો

નવી દિલ્‍હીઃ ટી૨૦ વર્લ્‍ડ કપ જીતીને વિશ્વની નંબર-૧ બનેલી ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં મુશ્‍કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. આયર્લેન્‍ડ પ્રવાસમાં સતત બે હાર બાદ હવે ઇંગ્‍લેન્‍ડ સામેની શ્રેણીમાં પણ ટીમ ઇન્‍ડિયાનું પ્રદર્શન અત્‍યંત કનિષ્ઠ રહ્યું છે. આ સતત પરાજયોએ માત્ર ખેલાડીઓના ફોર્મ પર જ નહીં, પરંતુ પસંદગીકારો દ્વારા લેવાયેલા એક ચોંકાવનારા નિર્ણય પર પણ મોટા સવાલો ઉભા કરી દીધા છે. ક્રિકેટ જગતમાં હવે ચર્ચા તેજ બની છે કે શું લાંબા સમય બાદ વાપસી કરનારા શ્રેયસ અય્‍યરને સીધા કેપ્‍ટન બનાવવાનો નિર્ણય જ ભારતની હારનું મુખ્‍ય કારણ છે?

શ્રેયસ અય્‍યરે છેલ્લા લગભગ અઢી વર્ષથી વધુ સમય સુધી ભારત માટે કોઈ આંતરરાષ્‍ટ્રીય ટી૨૦ મેચ રમી નહોતી. આવી સ્‍થિતિમાં જ્‍યારે ટીમમાં તેમની વાપસી થઈ, ત્‍યારે સામાન્‍ય પ્રક્રિયા મુજબ કોઈ અનુભવી કે નિયમિત સભ્‍યને કેપ્‍ટન બનાવવાના બદલે પસંદગીકારો અને મુખ્‍ય કોચ ગૌતમ ગંભીરે અય્‍યરને સીધી જ ટીમની કમાન સોંપી દીધી. ભારતીય ક્રિકેટમાં સામાન્‍ય રીતે ઉપકેપ્‍ટન અથવા લાંબા સમયથી નિયમિત રમી રહેલા ખેલાડીને નેતળત્‍વ મળે છે, પરંતુ આ વખતે લેવાયેલો અલગ નિર્ણય હવે વિવાદોના મધપૂડા સમાન સાબિત થઈ રહ્યો છે.

ભારતીય ટીમમાં હાર્દિક પંડ્‍યા, શુભમન ગિલ, અક્ષર પટેલ અને તિલક વર્મા જેવા ખેલાડીઓ લાંબા સમયથી લીડરશિપ ગ્રુપનો હિસ્‍સો રહ્યા છે. ક્રિકેટ જગતના નિષ્‍ણાતોનું માનવું છે કે ટીમની બહાર રહેલા ખેલાડીને અચાનક કેપ્‍ટન બનાવી દેવાતા ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ વચ્‍ચે પૂરતી બોન્‍ડિંગ અને તાલમેલ સાધી શકાયો નથી. ભલે ખેલાડીઓ જાહેરમાં કંઈ ન બોલે, પરંતુ અણધાર્યા નિર્ણયોની અસર ડ્રેસિંગ રૂમના માહોલ અને ખેલાડીઓની માનસિકતા પર ચોક્કસ પડતી હોય છે, જે મેદાન પરના પ્રદર્શનમાં સ્‍પષ્ટ દેખાઈ રહી છે. શ્રેયસ અય્‍યર સામે સૌથી મોટો પડકાર એ રહ્યો કે અફઘાનિસ્‍તાન સિરીઝ પૂરી થતાં જ ભારતીય ટીમ તરત ઇંગ્‍લેન્‍ડ રવાના થઈ ગઈ હતી. આ કારણે ખેલાડીઓને નવા કેપ્‍ટન સાથે પૂરતો સમય વિતાવવા, તેની રણનીતિ સમજવા અને આંતરિક તાલમેલ વિકસાવવાનો મોકો જ ન મળ્‍યો. 

(2:21 PM IST)