<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

ફીફા વર્લ્ડ કપમાં ઇજિપ્તનો ઐતિહાસિક શંખનાદ: સ્ટાર મોહમ્મદ સલાહના મેજિકલ ગોલની મદદથી ન્યૂઝીલેન્ડને ૩-૧થી કચડ્યું!

ગ્રુપ Gમાં ઇજિપ્ત ટોચના સ્થાને પહોંચ્યું, અન્ય રોમાંચક મુકાબલામાં કેપ વર્ડેએ ઉરુગ્વેને ૨-૨ની બરાબરી પર રોક્યું, સાઉદી અરેબિયા પર ૪-૦ની ભવ્ય જીત સાથે સ્પેન આગામી રાઉન્ડમાં ક્વોલિફાય

વાનકુવર: ફૂટબોલના સૌથી મોટા મહાકુંભ 'ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬' માં આજે એક અત્યંત રોમાંચક અને ઉલટફેરથી ભરેલો મુકાબલો જોવા મળ્યો છે. કિંગ ઓફ ઇજિપ્ત તરીકે ઓળખાતા પ્રખ્યાત ક્લબ લિવરપૂલના સુપરસ્ટાર ફૂટબોલર મોહમ્મદ સલાહની શાનદાર વાપસી અને જાદુઈ રમતના જોરે ઇજિપ્તે આખરે ન્યૂઝીલેન્ડને ૩-૧ ના મોટા સ્કોરથી પરાજય આપીને વર્લ્ડ કપ ઇતિહાસમાં પોતાની પ્રથમ ઐતિહાસિક જીત નોંધાવી છે. કેનેડાના વાનકુવર સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં મોહમ્મદ સલાહે આ ટૂર્નામેન્ટનો પોતાનો પહેલો શાનદાર ગોલ કરીને ચાહકોને ઝૂમવા પર મજબૂર કરી દીધા હતા. આ ધમાકેદાર જીત સાથે જ ઇજિપ્તની ટીમ પોઇન્ટ ટેબલમાં મજબૂત સ્થિતિ સાથે ગ્રુપ G માં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.

વર્લ્ડ કપના અન્ય મેદાનો પરથી પણ ભારે ઉત્તેજનાભર્યા સમાચાર સામે આવ્યા છે. ફ્લોરિડામાં રમાયેલી ગ્રુપ H ની એક અત્યંત રસાકસીભરી મેચમાં અંડરડોગ ગણાતી કેપ વર્ડેની ટીમે મજબૂત ઉરુગ્વેને ૨-૨ ની બરાબરી પર રોકીને મોટો અપસેટ સર્જ્યો હતો. બીજી તરફ, કેલિફોર્નિયામાં ગઈકાલે રાત્રે રમાયેલી ગ્રુપ G ની અન્ય એક મેચમાં ઈરાન અને બેલ્જિયમ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી, જે અંતે ગોલરહિત (૦-૦) ડ્રો રહી હતી. આ મેચની ૬૬મી મિનિટે બેલ્જિયમના ખેલાડી નાથન ન્ગોયને ઈરાનના સ્ટાર મેહદી તારેમી પર ખતરનાક ફાઉલ કરવા બદલ રેફરી દ્વારા રેડ કાર્ડ બતાવી મેદાનની બહાર મોકલી દેવાયા હતા. બેલ્જિયમની ટીમ ૧૦ ખેલાડીઓમાં સમેટાઈ ગઈ હોવા છતાં ઈરાન આ સુવર્ણ તકનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યું હતું.

આ અગાઉ એટલાન્ટાના મેદાન પર સ્પેનિશ આર્મેડાનો દબદબો જોવા મળ્યો હતો. સ્પેને ગ્રુપ H ના એકતરફી મુકાબલામાં સાઉદી અરેબિયાની ટીમને ૪-૦ થી ધૂળ ચટાડીને ટૂર્નામેન્ટમાં પોતાની ભવ્ય વિજયકૂચ જારી રાખી છે. આ શાનદાર જીત સાથે જ સ્પેને આગામી નોકઆઉટ રાઉન્ડમાં પોતાનું સ્થાન સત્તાવાર રીતે સુરક્ષિત કરી લીધું છે. સ્પેનના હવે બે મેચોમાં કુલ ચાર પોઈન્ટ થઈ ગયા છે, જ્યારે સાઉદી અરેબિયા માત્ર એક પોઈન્ટ સાથે મુશ્કેલીમાં મુકાયું છે. ફૂટબોલ ફેન્સ માટે આજની રાત હજુ વધુ રોમાંચક બનવાની છે, કારણ કે આજે રાત્રે ૧૦:૩૦ વાગ્યે ગ્રુપ J ની મહામુકાબલામાં લિઓનેલ મેસ્સીની દિગ્ગજ આર્જેન્ટિનાની ટીમ ઓસ્ટ્રિયા સામે ટકરાશે, જેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.

(8:48 PM IST)