<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬: આર્જેન્ટિના સામેની હાર બાદ ઇજિપ્તના કોચનો આક્રોશ, 'VAR' અને રેફરીના નિર્ણયો પર ઉઠાવ્યા ગંભીર સવાલો

​કવાર્ટર ફાઈનલની રેસમાંથી બહાર થયા બાદ ઇજિપ્તના કોચ હૌસમ હસને મેચને 'ફિક્સ' ગણાવી; તટસ્થતા પર ઉઠાવ્યા પ્રશ્નો

​એટલાન્ટા: ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ના રાઉન્ડ ઓફ ૧૬માં આર્જેન્ટિના અને ઇજિપ્ત વચ્ચે રમાયેલી રોમાંચક મેચ હાલ ફૂટબોલ જગતમાં ભારે વિવાદનું કેન્દ્ર બની છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ ૨-૦થી પાછળ રહ્યા બાદ મેચમાં ૩-૨થી ભવ્ય વાપસી કરી કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે, પરંતુ આ જીત પર હવે શંકાના વાદળો ઘેરાયા છે. ઇજિપ્તના મુખ્ય કોચ હૌસમ હસને મેચ બાદ અધિકારીઓ અને ફિફા સામે સીધો આક્ષેપ કર્યો છે કે તેમની ટીમને જાણીજોઈને હરાવવામાં આવી છે.

​શું છે સમગ્ર વિવાદ?

મેચ દરમિયાન ઇજિપ્તની ટીમ મોટાભાગના સમય સુધી મેચ પર નિયંત્રણ ધરાવતી હતી અને યાસેર ઇબ્રાહિમ તથા મોસ્તફા ઝિકોના ગોલની મદદથી ૨-૦ની મજબૂત સરસાઈ મેળવી લીધી હતી. જોકે, મેચના નિર્ણાયક તબક્કે થયેલા બે મોટા નિર્ણયોએ ઈજિપ્તની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું. પ્રથમ, મોસ્તફા ઝિકોનો એક ગોલ VAR દ્વારા રદ કરવામાં આવ્યો હતો, જેમાં લિસાન્ડ્રો માર્ટિનેઝ સામે ફાઉલ હોવાનું જણાવાયું હતું. આ નિર્ણય બાદ ઇજિપ્તના કેમ્પમાં રોષ જોવા મળ્યો હતો.

​ત્યારબાદ, મેચના અંતિમ સમયમાં જ્યારે આર્જેન્ટિના ૩-૨થી આગળ હતું, ત્યારે ઇજિપ્તના ખેલાડીઓએ પેનલ્ટીની જોરદાર અપીલ કરી હતી. તેમનો દાવો હતો કે એલેક્સિસ માક એલિસ્ટર દ્વારા હૅમ્ડી ફાથીની જર્સી ખેંચવામાં આવી હતી. રેફરી ફ્રાન્કોઇસ લેટેક્સિયરે આ બાબતને અવગણી અને VAR પણ હસ્તક્ષેપ કરવા આગળ આવ્યું નહીં. આ ઘટનાક્રમ બાદ ઇજિપ્તના બેંચ પર રહેલા સભ્યો અને કોચ હૌસમ હસન ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યા હતા.

​કોચ હૌસમ હસનના ગંભીર આક્ષેપો

મેચ બાદની પ્રેસ કોન્ફરન્સમાં હસને પોતાની હતાશા છુપાવી ન હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "અમે નસીબને નહીં, અન્યાયને દોષ આપીએ છીએ. આ મેચ સ્પષ્ટપણે ગોઠવાયેલી (rigged) હતી. જો ફિફા ઈચ્છતું હોય કે આર્જેન્ટિના જ જીતે, તો અન્ય ટીમોને અહીં બોલાવવાનો શું અર્થ છે?" તેમણે મેચના રેફરીના નિર્ણયો પર સવાલ ઉઠાવતા કહ્યું કે, એક ટીમ માટે નિયમો અલગ અને બીજી ટીમ માટે અલગ ન હોઈ શકે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે લીઓનેલ મેસ્સી અને આર્જેન્ટિનાને સ્પર્ધામાં આગળ રાખવા માટે આ બધું કરવામાં આવ્યું છે.

​શારીરિક અને માનસિક થાક પર પણ સવાલો

વિવાદ માત્ર રેફરી પૂરતો મર્યાદિત નથી. કોચ હસને મેચના શિડ્યુલિંગ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, રાઉન્ડ ઓફ ૩૨ની મેચના માત્ર ચાર દિવસ બાદ બપોરે ૧૨ વાગ્યે નોકઆઉટ મેચ રમાડવી એ ખેલાડીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં છે.


​આર્જેન્ટિનાની જીત બાદ સોશિયલ મીડિયા પર ચાહકો વચ્ચે પણ બે ભાગલા પડી ગયા છે. એક તરફ જ્યાં આર્જેન્ટિનાના ચાહકો આ જીતને મેસ્સીના જાદુ તરીકે જોઈ રહ્યા છે, તો બીજી તરફ ફૂટબોલ પ્રેમીઓ અને ઇજિપ્તના સમર્થકો VAR ટેકનોલોજીની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. આ ઘટનાએ ફૂટબોલ વિશ્વમાં ફેયર પ્લે અને ટેકનોલોજીના ઉપયોગ અંગે નવી ચર્ચા જગાવી છે.

(1:52 PM IST)