News of Saturday, 16th May 2026
ઈડન ગાર્ડન્સમાં ફિન એલનનું સિક્સર તાંડવ: માત્ર 35 બોલમાં 93 રન ઝૂડી ગુજરાત ટાઇટન્સના બોલરોને રડાવ્યા, KKR નો 247 રનનો હિમાલય જેવો સ્કોર
ન્યૂઝીલેન્ડના ઓપનરે 10 ગગનચુંબી છગ્ગા ફટકારી ક્રિસ ગેલ અને વૈભવ સૂર્યવંશીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી; રાશિદ ખાન અને મોહમ્મદ સિરાજ જેવા દિગ્ગજ બોલરો ઈડનમાં ખૂબ મોંઘા સાબિત થયા

કોલકાતા: આઈપીએલ ૨૦૨૬ ની ૬૦મી મેચમાં કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ પર રનનો એવો ભયાનક જ્વાળામુખી ફાટ્યો કે ગુજરાત ટાઇટન્સના બોલિંગ આક્રમણના લીરેલીરા ઊડી ગયા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના વિસ્ફોટક ઓપનર ફિન એલને મેદાનના ચારેય ખૂણે ચોગ્ગા-છગ્ગાની એવી ધમાકેદાર રમઝટ બોલાવી કે ક્રિકેટ રસિકો ઝૂમી ઉઠ્યા હતા. એલનની આ ઐતિહાસિક અને આક્રમક બેટિંગના દમ પર કેકેઆરે નિર્ધારિત ૨૦ ઓવરમાં માત્ર ૨ વિકેટ ગુમાવીને ૨૪૭ રનનો વિશાળ સ્કોર ખડકી દીધો છે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે હવે ગુજરાત ટાઇટન્સ સામે ૨૪૮ રનનો પહાડ જેવો સર્વોચ્ચ લક્ષ્યાંક છે.
માત્ર ૩૫ બોલમાં ૯૩ રન: ક્રિસ ગેલની ક્લબમાં ફિન એલનની એન્ટ્રી
મેચની શરૂઆતમાં અનુભવી બેટર અજિંક્ય રહાણે માત્ર ૧૪ રન બનાવીને સસ્તામાં આઉટ થઈ ગયો હતો, પરંતુ ત્યાર પછી જે થયું તેની કલ્પના ગુજરાતના કેપ્ટન કે બોલરોએ સ્વપ્ને પણ કરી ન હતી. ઓપનર ફિન એલને મેદાન પર આવતાની સાથે જ સિક્સર તાંડવ શરૂ કર્યું હતું. તેણે માત્ર ૩૫ બોલનો સામનો કરીને ૪ ચોગ્ગા અને ૧૦ ગગનચુંબી છગ્ગાની મદદથી ૯૩ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ મેગા શો સાથે ફિન એલન આઈપીએલના ઇતિહાસમાં બીજી વાર એક જ ઇનિંગમાં ૧૦ કે તેથી વધુ સિક્સર મારનારો દુનિયાનો વિશિષ્ટ પ્લેયર બની ગયો છે. તે હવે ક્રિસ ગેલ, અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી જેવા દિગ્ગજ સિક્સર કિંગ્સની ખાસ યાદીમાં સામેલ થઈ ગયો છે.
રઘુવંશી અને કેમરોન ગ્રીનનો વિસ્ફોટક ફિનિશિંગ ટચ
ફિન એલન આઉટ થયા બાદ પણ ગુજરાતના બોલરોને કોઈ રાહત મળી ન હતી. એલનને યુવા બેટર અંગક્રિશ રઘુવંશીનો અદભુત સાથ મળ્યો હતો, જેણે ક્રીઝ પર પગ જમાવીને ૪૪ બોલમાં અણનમ ૮૨ રનની ક્લાસિક ઇનિંગ રમી હતી. ડેથ ઓવર્સમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરોન ગ્રીને પણ ગુજરાતના બોલરોની બરાબરની ધોલાઈ કરતા માત્ર ૨૮ બોલમાં પાવરફુલ ૫૨ રન ફટકારી દીધા હતા. આ ત્રિપુટીના પ્રહારોના કારણે કેકેઆર ૨ વિકેટે ૨૪૭ રનના રેકોર્ડ સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું.
મોહમ્મદ સિરાજની એક ભૂલ અને રાશિદ ખાનની કારકિર્દીની સૌથી મોંઘી સ્પેલ
ગુજરાત ટાઇટન્સ માટે આ મેચમાં નસીબે પણ સાથ ન આપ્યો અને ફિલ્ડિંગમાં મસમોટી ભૂલ થઈ ગઈ. જ્યારે ફિન એલન માત્ર ૩૩ રનના અંગત સ્કોર પર રમી રહ્યો હતો, ત્યારે જેસન હોલ્ડરના બોલ પર મોહમ્મદ સિરાજે તેનો એક સરળ કેચ ટપકાવી દીધો હતો. આ મળેલા જીવનદાનનો એલને એવો ફાયદો ઉઠાવ્યો કે ગુજરાતના ટોચના બોલરો લાઈન-લેન્થ ભૂલી ગયા હતા. દુનિયાનો સર્વશ્રેષ્ઠ સ્પિનર ગણાતો રાશિદ ખાન આજે સાવ લાચાર સાબિત થયો હતો, તેણે પોતાની ૪ ઓવરમાં ૫૭ રન લૂંટાવ્યા અને તેને એક પણ વિકેટ મળી ન હતી. કેચ છોડનાર મોહમ્મદ સિરાજ પોતે પણ ૪ ઓવરમાં ૫૦ રન આપીને સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો. હવે આ રનચેઝ ગુજરાત માટે કરો યા મરો સમાન બની રહેશે.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
