તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Thursday, 19th November 2026
વેલિંગ્ટન ટેસ્ટમાં સિરાજ અને જાડેજાને બહાર રાખવા પર પૂર્વ ક્રિકેટરોની નારાજગી: ટીમ પસંદગી પર સવાલ
બૅસિન રિઝર્વમાં કિવી બેટ્સમેનોની ભાગીદારી બાદ ગાવસકર, શાસ્ત્રી, અશ્વિન અને જાફરે પસંદગી અંગે પ્રતિક્રિયા આપી, બોલિંગ આક્રમણ પર ચર્ચા.

વેલિંગ્ટન : ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે બૅસિન રિઝર્વમાં કિવી બેટ્સમેનોએ ૧૭૩ રનની અતૂટ ભાગીદારી નોંધાવ્યા બાદ સુનીલ ગાવસકર, રવિ શાસ્ત્રી, રવિચન્દ્રન અશ્વિન અને વસીમ જાફરે મોહમ્મદ સિરાજ તથા રવીન્દ્ર જાડેજાને પ્લેઇંગ-ઇલેવનમાંથી બહાર રાખવાના નિર્ણય અંગે સવાલો ઉઠાવ્યા છે.
મેચની શરૂઆતમાં જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે આકાશ દીપ અને અંશુલ કંબોજે એક-એક વિકેટ લીધી હતી, પરંતુ પ્રસિદ્ધ ક્રિષ્ના અને વૉશિંગ્ટન સુંદરને વિકેટ મળી નહોતી અને ત્રણ ઝડપી બોલરોના બોલિંગ સ્પેલમાં ૫૦ થી વધુ રન નોંધાયા હતા.
સુનીલ ગાવસકરે જણાવ્યું હતું કે મોહમ્મદ સિરાજને રમાડવાનો નહોતો તો પ્રવાસમાં કેમ લઈ ગયા અને યોગ્ય રિધમમાં હોવા છતાં તેમને તથા રવીન્દ્ર જાડેજાને બહાર રાખીને વૉશિંગ્ટન સુંદરને કેમ પસંદ કરાયા તે સમજાતું નથી, જ્યારે રવિ શાસ્ત્રીએ પણ સિરાજ અને જાડેજાને બહાર રાખવાના નિર્ણયને ખોટું સિલેક્શન ગણાવ્યું હતું.
રવિચન્દ્રન અશ્વિને ટેસ્ટ ટીમની પસંદગીને નબળી ગણાવતાં આ પ્રકારના નિર્ણયો હવે સામાન્ય બની ગયા હોવાનું જણાવ્યું હતું, જ્યારે વસીમ જાફરે કહ્યું હતું કે ડાબોડી બેટ્સમેનોના કારણે સ્પિનર બદલવાની વાત સમજી શકાય પરંતુ સિરાજને બહાર રાખવું આશ્ચર્યજનક છે અને પહેલા દિવસે તેમની ખોટ વર્તાઈ હતી.
અહેવાલો મુજબ, વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ચક્રમાં ભારતીય બોલરોમાં સિરાજ સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે, છતાં તેમને તથા અનુભવી ઓલરાઉન્ડર જાડેજાને બદલે અંશુલ કંબોજ, આકાશ દીપ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને વૉશિંગ્ટન સુંદરને તક આપવામાં આવી હતી.
હવે વેલિંગ્ટન ટેસ્ટના બાકીના દિવસોમાં પસંદ કરાયેલા બોલરોનું પ્રદર્શન, મેચની સ્થિતિ અને ટીમ મેનેજમેન્ટના આગામી નિર્ણયો પર સૌની નજર રહેશે.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
