તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Thursday, 19th November 2026
ફિલિપ્સને નોટઆઉટ આપતાં ગિલનો પિત્તો ગયો : મેદાન પર અમ્પાયર સાથે ઉગ્ર ચર્ચા
બુમરાહની અપીલ ફગાવાતાં ભારતીય કેપ્ટન નારાજ : ડીઆરએસમાં પણ નિર્ણય યથાવત્ : બેટ અને બોલ વચ્ચે ગેપ હોવાનો ગિલનો દાવો, થર્ડ અમ્પાયરના નિર્ણયથી ભારતે એક રિવ્યૂ ગુમાવ્યો

નવી દિલ્હી : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે મેદાન પર ક્રિકેટ કરતાં અમ્પાયરિંગનો વિવાદ વધુ ચર્ચામાં રહ્યો હતો. ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ગ્લેન ફિલિપ્સને આઉટ આપવાના મામલે ભારતીય કેપ્ટન શુભમન ગિલ ભારે નારાજ જોવા મળ્યો હતો. અમ્પાયરના નિર્ણય સામે ગિલે મેદાન પર જ પોતાની નારાજગી વ્યક્ત કરતાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
ન્યૂઝીલેન્ડની પ્રથમ ઇનિંગ દરમિયાન ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ૩૧મી ઓવર નાખી રહ્યા હતા. આ ઓવરના ત્રીજા બોલે ફિલિપ્સના પગમાં વાગતાં ભારતીય ખેલાડીઓએ જોરદાર અપીલ કરી હતી, પરંતુ મેદાની અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થે તેને નોટઆઉટ જાહેર કર્યો હતો.
ભારતીય ટીમને વિકેટ મળ્યાની આશા હોવાથી ગિલે બુમરાહ સાથે ચર્ચા કર્યા બાદ ડીઆરએસ લેવાનો નિર્ણય કર્યો હતો. રિવ્યૂ દરમિયાન સ્નિકોમીટરમાં બોલ બેટની નજીકથી પસાર થયો ત્યારે મોટો સ્પાઇક જોવા મળ્યો હતો. જોકે, ફ્રન્ટ-ઓન રિપ્લેમાં બેટ અને બોલ વચ્ચે અંતર દેખાતું હોવાનો ગિલનો મત હતો.
બીજી તરફ થર્ડ અમ્પાયર પોલ રીફેલે અલગ-અલગ એંગલથી રિપ્લે તપાસ્યા બાદ બોલ બેટને અડીને પેડ સાથે અથડાયો હોવાનું માની મેદાની અમ્પાયરનો નોટઆઉટ નિર્ણય યથાવત્ રાખ્યો હતો.
આ નિર્ણયથી ગિલ સંતુષ્ટ થયો નહોતો. તેણે મેદાની અમ્પાયર સાથે લાંબી ચર્ચા કરી હતી અને બોલ પહેલાં પેડને લાગ્યો હોવાની પોતાની વાત રજૂ કરી હતી. જોકે, અમ્પાયરે નિર્ણય બદલ્યો નહોતો અને ભારતે એક મહત્ત્વપૂર્ણ રિવ્યૂ પણ ગુમાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં ફિલિપ્સને જીવનદાન મળ્યા બાદ ન્યૂઝીલેન્ડ માટે આ નિર્ણય કેટલો મહત્ત્વનો સાબિત થાય છે તે પણ જોવાનું રહેશે. ટેસ્ટ ક્રિકેટમાં ડીઆરએસની ભૂમિકા અને અમ્પાયરના નિર્ણયોની ચોકસાઈ ફરી એકવાર ચર્ચામાં આવી છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
