<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન 2026ની ટ્રોફી પર વિશ્વના નંબર વન ખેલાડી જાનિક સિનરે કબજો જમાવ્યો

જર્મનીના અલેક્ઝાન્ડર જ્વેરેવને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો:વિજેતા ખેલાડીઓ પર કરોડો રૂપિયાના ઇનામનો વરસાદ થયો

ટેનિસ જગતના સૌથી પ્રતિષ્ઠિત ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન 2026ની ટ્રોફી પર વિશ્વના નંબર વન ખેલાડી જાનિક સિનરે કબજો જમાવી લીધો છે. મેન્સ સિંગલ્સના હાઈ-વોલ્ટેજ ફાઈનલ મુકાબલામાં સિનરે શાનદાર પ્રદર્શન કરતા જર્મનીના અલેક્ઝાન્ડર જ્વેરેવને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ઐતિહાસિક જીત બાદ વિજેતા ખેલાડીઓ પર કરોડો રૂપિયાના ઇનામનો વરસાદ થયો છે, જેણે રમત પ્રેમીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.

મેન્સ સિંગલ્સની આ ફાઈનલ મેચ અત્યંત રોમાંચક રહી હતી. પ્રથમ સેટમાં જ્વેરેવે શાનદાર લય બતાવીને સિનર પર 6-7 (7-9) થી લીડ મેળવી લીધી હતી. જોકે, વર્લ્ડ નંબર વન સિનરે જબરદસ્ત વાપસી કરી અને બીજો સેટ ટાઈબ્રેકરમાં 7-6 (7-2) થી જીતી લીધો હતો. આ રોમાંચક ટર્નિંગ પોઈન્ટ બાદ જ્વેરેવ લય ગુમાવી બેઠો હતો અને સિનરે બાકીના બંને સેટ 6-3, 6-4 થી જીતીને મેચ અને ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી.

વિમ્બલ્ડન 2026ના નિયમ મુજબ પુરૂષ અને મહિલા બંને કેટેગરીના વિજેતાઓને સમાન ઇનામી રકમ આપવામાં આવે છે. મેન્સ ચેમ્પિયન જાનિક સિનરને ટ્રોફીની સાથે 3.6 મિલિયન પાઉન્ડ એટલે કે ભારતીય ચલણ મુજબ આશરે 46.08 કરોડ રૂપિયાની માતબર રકમ મળી છે. જ્યારે રનર્સ-અપ રહેલા અલેક્ઝાન્ડર જ્વેરેવને 1.8 મિલિયન પાઉન્ડ (આશરે 23.04 કરોડ રૂપિયા) થી સંતોષ માનવો પડ્યો છે.

મહિલા સિંગલ્સની વાત કરીએ તો, ચેક રિપબ્લિકની 21 વર્ષીય યુવા ટેનિસ સ્ટાર લિન્ડા નોસ્કોવાએ ફાઇનલમાં પોતાની જ દેશની કારોલિના મુચોવાને 6-2, 5-7, 6-3 થી હરાવીને કરિયરનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીત્યું છે. 2011 પછી સૌથી નાની વયની મહિલા ચેમ્પિયન બનેલી લિન્ડાને પણ સિનરની જેમ જ 46.08 કરોડ રૂપિયાની પ્રાઈઝ મની મળી છે.

આ વર્ષે વિમ્બલ્ડન પ્રાઈઝ મનીની ખાસિયત એ રહી છે કે માત્ર સેમીફાઇનલ કે ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચનારા જ નહીં, પરંતુ મેચના પ્રથમ રાઉન્ડ (રાઉન્ડ ઓફ 128) માંથી જ બહાર થઈ ગયેલા ખેલાડીઓ પર પણ લક્ષ્મીજી મહેરબાન થયા છે. ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ હારી જનારા દરેક ખેલાડીને પણ આશરે 1.02 કરોડ રૂપિયાની રકમ મળી છે.

(12:34 AM IST)