<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

ગુજરાત બોલિંગ લાઈનઅપના લીરેલીરા ઉડાડતી ‘રજત બ્રિગેડ': રોયલ ચેલેન્‍જર્સ બેંગલુરુ વટભેર ફાઈનલમાં

ક્‍વોલિફાયર-૧ માં ટાઇટન્‍સને ૯૨ રને ધોઈ નાખતું બેંગ્‍લોરઃ હારવા છતાં ગુજરાત આઉટ નથી, આજના એલીમિનેટર મેચના વિજેતા સામે ક્‍વોલિફાયર-૨ માં ફાઈનલ માટે મળશે વધુ એક મોકો

ધર્મશાલાઃ આઈપીએલ ૨૦૨૬ ના પ્રથમ ક્‍વોલિફાયર મુકાબલામાં રોયલ ચેલેન્‍જર્સ બેંગલુરુ એ ધમાકેદાર પ્રદર્શન કરતા ગુજરાત ટાઇટન્‍સને ૯૨ રનના મોટા માર્જિનથી કચડીને ફાઈનલમાં સીધી એન્‍ટ્રી કરી લીધી છે. ધર્મશાલાના મેદાન પર રજત બ્રિગેડે રમેલા આક્રમક ક્રિકેટ સામે ગુજરાતની ટીમ સંપૂર્ણપણે વામણી સાબિત થઈ હતી.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્‍જર્સ બેંગલુરુની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૨૫૪ રનનો વિશાળ અને ઐતિહાસિક સ્‍કોર ખડકી દીધો હતો. કેપ્‍ટન રજત પાટીદારે મોખરેથી આગેવાની લેતા માત્ર ૪૨ બોલમાં ૯૩ રનની અણનમ ઈનિંગ રમી હતી, જેમાં ચોગ્‍ગા-છગ્‍ગાની રમઝટ જોવા મળી હતી. ગુજરાતના બોલર્સ આરસીબીના બેટર્સને રોકવામાં તદ્દન નિષ્‍ફળ રહ્યા હતા અને પાણી માંગતા દેખાયા હતા.

૨૫૫ રનના પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્‍સની ટીમ શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ હતી. આરસીબીના બોલર જેકબ ડફીએ શાનદાર લાઈન-લેન્‍થ સાથે બોલિંગ કરીને મહત્‍વની ૩ વિકેટો ઝડપી ગુજરાતની કમર તોડી નાખી હતી. ટાઇટન્‍સની આખી ટીમ માત્ર ૧૬૨ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

જો કે, પોઈન્‍ટ ટેબલમાં ટોપ-૨ માં રહેવાના ફાયદા મુજબ, ગુજરાત ટાઇટન્‍સ હજુ આ ટૂર્નામેન્‍ટમાંથી બહાર ફેંકાયું નથી. આજે રમાનારા એલીમિનેટર મુકાબલામાં જે ટીમ વિજયી બનશે, તેની સામે ગુજરાતનો ક્‍વોલિફાયર-૨ માં ટકરાવ થશે. ટાઇટન્‍સ પાસે ફાઈનલમાં પહોંચીને આરસીબી સામે બદલો લેવાની વધુ એક સુવર્ણ તક બાકી છે.(

(10:37 AM IST)