News of Wednesday, 6th May 2026
રાયપુરમાં રમાનારી મેચ માટે હાર્દિક પંડ્યાની ટીમમાં બાદબાકી ! ચર્ચાઓએ જોર પકડ્યું
મુંબઈની આખી ટીમ એરપોર્ટ પર જોવા મળી, ત્યારે તેમાં હાર્દિક પંડ્યા ક્યાંય નહોતો: સૂર્યકુમાર યાદવે સંભાળી કમાન

આઈપીએલ 2026માં અત્યંત ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલી મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મહત્વની મેચ પહેલા ટીમના નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યાને લઈને એક એવું અપડેટ સામે આવ્યું છે, જેનાથી ચાહકોમાં અનેક સવાલો ઊભા થયા છે. રાયપુરમાં રમાનારી આગામી મેચ માટે હાર્દિક ટીમ સાથે સામેલ થયો નથી, જે બાદ તે ટીમમાંથી બહાર થઈ ગયો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
મુંબઈ ઈન્ડિયન્સ આગામી રવિવારે (10 મે) રાયપુરમાં આરસીબી સામે ટકરાવાની છે. રિપોર્ટ અનુસાર, બુધવારે જ્યારે મુંબઈની આખી ટીમ એરપોર્ટ પર જોવા મળી, ત્યારે તેમાં હાર્દિક પંડ્યા ક્યાંય નહોતો. હાર્દિકનું ટીમ સાથે ટ્રાવેલ ન કરવું એ વાત તરફ ઈશારો કરે છે કે તે આગામી મેચમાં પણ મેદાનમાં નહીં ઉતરે. નોંધનીય છે કે 4 મેના રોજ લખનઉ સામે રમાયેલી મેચમાં પણ તે પ્લેઈંગ-11નો ભાગ નહોતો.
હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. લખનઉ સામેની મેચમાં ટોસ દરમિયાન સૂર્યાએ સ્પષ્ટતા કરી હતી કે હાર્દિક સંપૂર્ણ રીતે ફિટ નથી, જેના કારણે તેને આરામ આપવામાં આવ્યો છે. જોકે, હવે તે સતત બીજી મેચમાં બહાર રહે તેવા સંકેતો મળી રહ્યા છે. હાર્દિક ક્યારે ટીમમાં પરત ફરશે તે અંગે હજુ સુધી ફ્રેન્ચાઈઝી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ચાલુ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. 10 મેચમાંથી ટીમ માત્ર 3 જીત મેળવી શકી છે અને 7 હાર સાથે પોઈન્ટ ટેબલમાં પાછળ છે. હાર્દિક પંડ્યાના વ્યક્તિગત ફોર્મની વાત કરીએ તો, 8 ઇનિંગ્સમાં તેને માત્ર 146 રન બનાવ્યા છે. આ સીઝનમાં તેનો હાઈ સ્કોર માત્ર 40 રન છે, એટલે કે એક પણ ફિફ્ટી પણ નથી.આ ઉપરાંત બોલિંગમાં તેનું પ્રદર્શન ઘણું જ નબળું રહ્યું છે. હાર્દિક પંડયાએ 8 ઇનિંગ્સમાં માત્ર 4 વિકેટ ઝડપી છે.
ટીમનું પ્લેઓફમાં પહોંચવું હવે લગભગ અશક્ય જણાઈ રહ્યું છે. આવા સમયે કેપ્ટનની ફિટનેસ અને ફોર્મ મુંબઈ માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે 10 મેના રોજ રાયપુરમાં રમાનારી મેચમાં મુંબઈની ટીમ કેવું પ્રદર્શન કરે છે.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
