<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

રાજશાહીમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: બાંગ્લાદેશી મહિલા ટીમે શ્રીલંકાને હંફાવ્યું, જીતવા માટે ૭ રન બાકી હતા ત્યારે ૪ વિકેટ પડી છતાં છેલ્લી ઓવરમાં બાજી મારી

શર્મિન અખ્તરની ૮૬ રનની શાનદાર ઈનિંગ એળે ન ગઈ; ૨૦૬ રનનો પીછો કરતા બાંગ્લાદેશે શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી, અંતિમ ક્ષણોમાં શ્રીલંકાના બોલરોએ ફફડાટ ફેલાવ્યો

રાજશાહી:  રાજશાહીના મેદાન પર રમાયેલી રોમાંચક પ્રથમ વન-ડે મેચમાં બાંગ્લાદેશ મહિલા ટીમે શ્રીલંકા સામે ૩ વિકેટથી યાદગાર જીત મેળવી છે. એક સમયે ખૂબ જ આસાન દેખાતી આ જીત અંતિમ ઓવરોમાં એટલી નાટકીય બની ગઈ હતી કે પ્રેક્ષકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. ૨૦૬ રનનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશી ટીમે જીતની સાવ નજીક પહોંચીને માત્ર ૧૧ બોલના અંતરે ૪ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ અંતે પૂંછડિયા બેટ્સમેનોએ સંયમ જાળવી ટીમને વિજય અપાવ્યો હતો.
શર્મિન અને શોભનાની લડાયક બેટિંગ
બાંગ્લાદેશની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી અને માત્ર ૯ બોલમાં બંને ઓપનરો પેવેલિયન ભેગા થઈ ગયા હતા. કેપ્ટન નિગાર સુલ્તાના પણ વહેલી આઉટ થઈ જતા ટીમ મુશ્કેલીમાં હતી. જોકે, શર્મિન અખ્તર (૮૬ રન) અને શોભના મોસ્ટારી (૪૭ રન) એ બાજી સંભાળી હતી. શોભનાએ કવિશા દિલહારીની એક જ ઓવરમાં ૪ ચોગ્ગા ફટકારીને શ્રીલંકા પર દબાણ વધાર્યું હતું. જોકે, શોભના રિટાયર્ડ હર્ટ થતા રમત થોડી ધીમી પડી હતી, પરંતુ શર્મિને એક છેડો સાચવી રાખ્યો હતો.
અંતિમ ઓવરોમાં સર્જાયું નાટક
બાંગ્લાદેશનો સ્કોર જ્યારે ૧૯૯/૩ હતો અને જીતવા માટે માત્ર ૭ રન જોઈતા હતા, ત્યારે અચાનક વિકેટોની ઝડી વરસી હતી. શ્રીલંકન બોલરોએ બાંગ્લાદેશના સેટ બેટ્સમેનો સહિત ૪ ખેલાડીઓને ટપોટપ આઉટ કરી દીધા હતા. જો શ્રીલંકા પાસે બોર્ડ પર ૧૦-૧૫ રન વધુ હોત તો પરિણામ ઉલટું આવી શક્યું હોત. પરંતુ લો-સ્કોરિંગ ગેમમાં છેલ્લી ઓવરમાં બાંગ્લાદેશે લક્ષ્ય હાંસલ કરી શ્રેણીમાં ૧-૦ થી મજબૂત પકડ બનાવી લીધી છે.
શ્રીલંકાનો મધ્યમ ક્રમ લથડ્યો
આ પહેલા ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે હંસિમા કરુણારત્ને (૫૪) અને ઈમેશા દુલાની (૫૨) ની અડધી સદીની મદદથી ૩૭ ઓવરમાં ૧૬૦/૩ રન બનાવી લીધા હતા. એક સમયે શ્રીલંકા ૨૩૦-૨૪૦ રન બનાવશે તેવું લાગતું હતું, પણ બાંગ્લાદેશી બોલરોએ શાનદાર વાપસી કરી હતી. અંતિમ ૧૦ ઓવરમાં શ્રીલંકા માત્ર ૩૪ રન જ બનાવી શક્યું અને ૨૦૫ રન પર અટકી ગયું. બાંગ્લાદેશ તરફથી રિતુ મોનીએ ૩૬ રનમાં ૩ વિકેટ ઝડપી હતી.
 
મેચનો ટૂંકો સ્કોર:
•    શ્રીલંકા મહિલા: ૨૦૫/૯ (૫૦ ઓવર) - હંસિમા ૫૪, ઈમેશા ૫૨; રિતુ મોની ૩/૩૬.
•    બાંગ્લાદેશ મહિલા: ૨૦૬/૭ (૪૮.૩ ઓવર) - શર્મિન અખ્તર ૮૬, શોભના ૪૭; બાંગ્લાદેશ ૩ વિકેટથી વિજયી.

(6:46 PM IST)