News of Tuesday, 28th July 2026
કોમનવેલ્થ ગેમ્સમાં પિતા-પુત્રનો ઐતિહાસિક વારસો: દિલ્હી ૨૦૧૦ માં પિતાએ જીત્યો હતો બ્રોન્ઝ, ૧૬ વર્ષ પછી પુત્ર અજય બાબુએ ગ્લાસગોમાં સિલ્વર પર કબ્જો કર્યો!
પિતા શ્રીનિવાસ રાવના અધૂરા સપનાને પૂરું કરવા ઉતરેલા ૨૧ વર્ષીય વલ્લુરી અજય બાબુએ ૭૯ કિગ્રા વેઇટલિફ્ટિંગમાં રચેલો ઇતિહાસ: માત્ર ૧ કિગ્રાના અંતરથી મલેશિયન લિફ્ટર સામે ગોલ્ડ ચૂક્યો

ગ્લાસગો : કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ માં ભારત માટે એક અત્યંત ભાવુક અને ગૌરવપૂર્ણ ક્ષણ સામે આવી છે. ગ્લાસગો ખાતે યોજાયેલી પુરુષોની ૭૯ કિગ્રા વેઇટલિફ્ટિંગ ફાઇનલમાં ૨૧ વર્ષીય ભારતીય એથ્લીટ વલ્લુરી અજય બાબુએ સિલ્વર મેડલ (રજત પદક) જીતીને ઈતિહાસના પાના પર પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે. આ સિદ્ધિ સાથે જ અજયે પોતાના પરિવારના કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ વારસાને એક ડગલું આગળ વધાર્યો છે.
પોતાની કારકિર્દીની આ પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ રમી રહેલા અજય બાબુએ ગોલ્ડ મેડલ માટે આખરી ક્ષણો સુધી ભીષણ લડત આપી હતી. જોકે, મલેશિયાના એરી હિદાયત મુહમ્મદ સામે તેઓ માત્ર ૧ કિલોગ્રામના અત્યંત બારીક અંતરથી સુવર્ણ ચંદ્રક ચૂક્યા હતા.
'જેવા પિતા, એવો પુત્ર' — ૧૬ વર્ષ જૂનો વારસો જીવંત થયો
અજય બાબુની આ સફર પાછળ તેમના પિતા વલ્લુરી શ્રીનિવાસ રાવ ની પ્રેરણા છે. ૨૦૧૦ ની નવી દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં તેમના પિતાએ ૫૬ કિગ્રા કેટેગરીમાં હેમસ્ટ્રિંગની ગંભીર ઈજા છતાં દેશ માટે બ્રોન્ઝ મેડલ (કાંસ્ય પદક) જીત્યો હતો.
અજયે નાનપણથી જ પોતાના પિતાને સ્થાનિક યુવાનોને તાલીમ આપતા જોયા હતા અને ૨૦૧૮ માં પિતાની નિવૃત્તિ બાદ વેઇટલિફ્ટિંગનો આ વારસો પોતાના ખભા પર ઉપાડી લીધો હતો. પિતા કરતાં એક ડગલું આગળ વધીને સિલ્વર મેડલ જીતનાર અજય માટે હવે આગામી ૨૦૩૦ ની ગેમ્સમાં ગોલ્ડ જીતવાનું લક્ષ્ય રહેશે.
ફાઇનલ મેચનો રોમાંચક વળાંક:
· પિતાનું સપનું: પિતા શ્રીનિવાસ રાવે જણાવ્યું હતું કે, "૨૦૧૦ માં ઈજાના કારણે હું ગોલ્ડ ચૂકી ગયો હતો અને બ્રોન્ઝ મળ્યો હતો. મારી ઈચ્છા હતી કે અજય મારા માટે ગોલ્ડ લાવે."
· બે પિતા-પુત્રની જોડી વચ્ચેનો આખરી જંગ: રસપ્રદ વાત એ છે કે અજયને હરાવીને ગોલ્ડ જીતનાર મલેશિયાના એરી હિદાયત મુહમ્મદના પિતા હિદાયત હમીદોને ૧૯૯૮ ની કુઆલાલંપુર કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. એરીએ પણ ગ્લાસગોમાં ગોલ્ડ જીતીને પોતાના પિતાના રેકોર્ડની બરાબરી કરી હતી.
· હરીફાઈનું સ્તર: SEC આર્માડિલો સ્ટેડિયમમાં રમાયેલી આ સ્પર્ધા સૌથી રોમાંચક રહી હતી, જ્યાં ૧-૧ કિલોના વજન પર મેડલનો રંગ નક્કી થયો હતો.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
