<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

ઘરઆંગણે ક્રિકેટમાં સુવર્ણ અક્ષરે ઇતિહાસ રચાયો: મિઝોરમના ચિન્મય સુતારે રણજી ટ્રોફીમાં ૪૦૦ રનની અણનમ ઐતિહાસિક ઇનિંગ્સ રમીને મચાવી ધમાલ

નાગાલેન્ડ સામેની મેચમાં ડાબોડી બેટરે ૫૧૭ બોલમાં ૪૬ ચોગ્ગા અને ૭ છગ્ગાની મદદથી બનાવ્યા ૪૦૦ રન, ૭૮ વર્ષ જૂનો રેકોર્ડ યાદ કરાવ્યો

સોવિમા (નાગાલેન્ડ), તા.૧૯: ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટ અને રણજી ટ્રોફીના ઇતિહાસમાં સોમવારનો દિવસ કાયમ માટે સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. મિઝોરમ તરફથી રમતા ડાબોડી બેટર ચિન્મય સુતારે નાગાલેન્ડ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી રણજી ટ્રોફીની પ્લેટ ડિવિઝન મેચમાં અદભૂત અને અકલ્પનીય પ્રદર્શન કરતા 'ક્વાડ્રપલ સેન્ચુરી' (૪૦૦ રન) ફટકારીને ભવ્ય ઇતિહાસ રચ્યો છે. આ શાનદાર સિદ્ધિ સાથે ચિન્મય સુતાર ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં ૪૦૦ રનનો આંકડો પાર કરનાર માત્ર બીજા બેટ્સમેન બન્યા છે.

ચિન્મય સુતાર હવે બ્રાયન લારા, ડોન બ્રેડમેન અને સર ગારফিল্ড સોબર્સ જેવા વિશ્વના મહાન બેટર્સના વિશિષ્ટ ક્લબમાં સામેલ થઈ ગયા છે. મિઝોરમ સાથે જોડાતા પહેલા વિજય હજારે ટ્રોફીમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા સુતારે પોતાની કારકિર્દીની શરૂઆત પણ શાનદાર રીતે કરી હતી, જોકે પ્રથમ મેચમાં તેઓ માત્ર ૯૯ રન પર રન આઉટ થઈને સદી ચૂકી ગયા હતા, પરંતુ આ વખતે તેમણે સીધા ૪૦૦ રન ફટકારીને ઇતિહાસના પાનાઓમાં પોતાનું નામ અમર કરી દીધું છે.

આ મેચમાં નાગાલેન્ડ સામે બેટિંગ કરતા ચિન્મય સુતારે અત્યંત સંયમ અને આક્રમકતાનું અદ્ભુત સંતુલન બતાવ્યું હતું. જ્યારે ટીમની વિકેટો પડી રહી હતી અને લાલરેમપુઇયા છેલ્લો બેટર તરીકે ક્રિઝ પર આવ્યો ત્યારે સુતાર ૨૩૧ રન પર રમી રહ્યા હતા. છતાં તેમણે મેદાન છોડવાને બદલે શાનદાર બેટિંગ ચાલુ રાખી અને ૫૧૭ બોલનો સામનો કરીને ૪૦૦ રન બનાવીને અણનમ રહ્યા હતા. તેમની આ મહાકાવ્ય ઇનિંગ્સમાં ૪૬ શાનદાર ચોગ્ગા અને ૭ ગગનચુંબી છગ્ગા સામેલ હતા. અંતે મિઝોરમે ૯ વિકેટે ૫૮૧ રન બનાવીને પોતાની ઇનિંગ્સ ડિકલેર કરી હતી.

આ ઐતિહાસિક ઇનિંગ્સ સાથે સુતારે રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનારા ખેલાડીઓની યાદીમાં બીજું સ્થાન મેળવી લીધું છે. આ અગાઉ વર્ષ ૧૯૪૮માં મહારાષ્ટ્રના બી.બી. નિમ્બાલકરે પુણે ખાતે કાઠિયાવાડ સામે અણનમ ૪૪૩ રન બનાવ્યા હતા, જે આજ દિન સુધી રણજી ટ્રોફીનો સર્વોચ્ચ રેકોર્ડ છે. ચિન્મયે આ ઇનિંગ્સ દરમિયાન પૃથ્વી શૉ (૩૭૯ રન) ને પણ પાછળ છોડી દીધા છે.

ચિન્મય સુતારની આ અસાધારણ અને પ્રેરણાદાયી બેટિંગથી સમગ્ર દેશના ક્રિકેટ જગતમાં ખુશીની લહેર દોડી ગઈ છે. સોશિયલ મીડિયા પર ખેલપ્રેમીઓ અને દિગ્ગજ ક્રિકેટરો દ્વારા આ યુવા બેટર પર અભિનંદનનો વરસાદ કરવામાં આવી રહ્યો છે, અને આ ઇનિંગ્સને ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટની સૌથી શ્રેષ્ઠ ઇનિંગ્સમાંથી એક ગણવામાં આવી રહી છે.

(4:55 PM IST)