News of Sunday, 8th November 2026
ભારત-પાકિસ્તાન અંડર-૧૯ મહામુકાબલો: શરુઆતમાં જ ભારતીય ટીમ મુશ્કેલીમાં, કેપ્ટન અને વિનીથ સસ્તામાં આઉટ
અંડર-૧૯ એશિયા કપની હાઇ-વોલ્ટેજ મેચમાં પાકિસ્તાન સામે ભારતે શરુઆતમાં જ ગુમાવી મહત્વની વિકેટો

નવી દિલ્હી : અંડર-૧૯ વન-ડે એશિયા કપના ગ્રુપ Aની આ રોમાંચક અને હાઇ-વોલ્ટેજ મેચમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને ટકરાયા છે. મેચમાં ભારતીય કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ શરુઆત ધારણા મુજબ સારી રહી નથી. કેપ્ટન લક્ષ્ય રાયચંદાની ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો, જ્યારે આર્યવીર સેહવાગ સાથે ક્રિઝ સંભાળનાર વીકે વિનીથ પણ માત્ર ૮ રન બનાવીને આઉટ થઈ જતાં ભારતને બીજો મોટો ઝટકો લાગ્યો છે.
શરુઆતી વિકેટો ઝડપથી ગુમાવી દેવાને કારણે ભારતીય ટીમનો દાવ ખૂબ જ ધીમો પડી ગયો છે. કેપ્ટનની વિકેટ બાદ આર્યવીર સેહવાગ અને વીકે વિનીથે અત્યંત સાવધાનીપૂર્વક બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિનીથની વિકેટ પડ્યા બાદ ટીમ પર દબાણ વધ્યું છે. બંને ટીમોએ આ ટુર્નામેન્ટની શરુઆત શાનદાર જીત સાથે કરી હતી, જ્યાં ભારતે નેપાળ સામે ૧૦ વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો જ્યારે પાકિસ્તાને યજમાન UAEને ૯ વિકેટથી હરાવ્યું હતું.
મેચ અગાઉ બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન પર નજર કરીએ તો, ભારતીય ટીમમાં કેપ્ટન લક્ષ્ય રાયચંદાની, આર્યવીર સેહવાગ, અન્વય દ્રવિડ (વિકેટકીપર), ઈશાન સૂદ અને વીકે વિનીથ જેવા પ્રતિભાશાળી ખેલાડીઓ સામે સામેલ છે. બીજી તરફ પાકિસ્તાન ટીમ તરફથી ફરહાન યુસુફ કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે અને અલી રઝા તથા ઉસ્માન ખાન જેવા ખેલાડીઓ મેદાનમાં છે. આ મેચમાં પાછલી આવૃત્તિમાં પાકિસ્તાન સામે મળેલી હારનો બદલો લેવા માટે ભારતીય ટીમ પૂરી તાકાત લગાવી રહી છે.
આજે રમાઈ રહેલી આ મહત્ત્વપૂર્ણ મેચ બાદ બંને ટીમો આગામી રાઉન્ડની રણનીતિ પર કામ કરશે. ભારતીય અંડર-૧૯ ટીમ માટે આ મુકાબલો માત્ર ટુર્નામેન્ટની આગેકૂચ માટે જ નહીં, પરંતુ કટ્ટર હરીફ સામે વિજય મેળવીને મનોબળ મજબૂત કરવા માટે પણ અતિ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. મધ્યમ ક્રમના બેટ્સમેનોએ હવે ટીમનો સ્કોર માનભેર સ્થાને પહોંચાડવા માટે જવાબદારીપૂર્વક રમવું પડશે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
