<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

એશિયન પેરા ગેમ્સમાં ભારતે પ્રથમ દિવસે 4 ગોલ્ડ સહિત 11 મેડલ પોતાના નામે કર્યા

જેવલિનમાં રિંકૂ-અજીત, દોડમાં સૌમ્યા-રાધા તથા શૂટિંગમાં મોના-અવનીને ગોલ્ડ-સિલ્વર મેડલ મળ્યા

એશિયન પેરા ગેમ્સમાં ભારતે પ્રથમ દિવસે 4 ગોલ્ડ સહિત 11 મેડલ પોતાના નામે કર્યા હતા. જેવલિન થ્રોમાં રિંકૂએ ગોલ્ડ જીત્યો. જ્યારે અજીત સિંહે સિલ્વર અપાવ્યો હતો. આવી જ રીતે મહિલાઓની 1500 મીટરની T12/T13 રેસમાં સૌમ્યા અને વેંકટેશ રાધા એ ભારતને ગોલ્ડ અને સિલ્વર મેડલ અપાવ્યો હતો. બીજી તરફ શૂટિંગમાં પણ ભારતને 2 મેડલ મળ્યા હતા. મોના અગ્રવાલે ગોલ્ડ અને અવની લેખરા એ સિલ્વર મેડલ જીત્યો હતો. બંને એ મહિલાઓની R2 10 મીટર એર રાઈફલ SH1 કેટેગરીમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. લોન્ગ જમ્પમાં નિશાદ કુમારે ગોલ્ડ મેડલ જીત્યો હતો.  

  એશિયન પેરા ગેમ્સમાં ભારતની સૌમ્યાએ મહિલાઓની 1500 મીટર T12/T13 રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગાઈડ ભારત કુમાર સાથે દોડતા તેણે 5 મિનિટ 12.39 સેકન્ડનો પર્સનલ બેસ્ટ ટાઈમ લીધો હતો. તેને 621 પોઈન્ટ્સ મળ્યા. ભારતની વેંકટેશ રાધાએ ગાઈડ ગોવિંદ સોલંકી સાથે 5 મિનિટ 30.90 સેકન્ડનો સમય લેતા સિલ્વર મેડલ જીત્યો

ભારતના નિશાદ કુમારે પુરુષોની લોંગ જમ્પ T47 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ફાઈનલમાં 7.11 મીટરનો કૂદકો લગાવ્યો હતો. નિશાદે આ અંતર 2 વખત હાંસલ કર્યું. ઉઝબેકિસ્તાનનાં ઓમાદબેક ખાસાનોવ એ 6.99 મીટર સાથે સિલ્વર અને શ્રીલંકાનાં મોહમ્મદ સફરાને 6.55 મીટર સાથે બ્રોન્ઝ જીત્યો હતો. 
ભારતીય જૂડો ખેલાડી કોકિલાએ મહિલાઓની જે2-52 કિલોગ્રામ વજનવર્ગની ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે આ કેટેગરીમાં ફાઈનલ મેચ હારી હતી. જ્યારે કપિલ પરમારે પુરુષોની જે-1ની 70 કિલોગ્રામ વજનવર્ગની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જે-1 કેટેગરીમાં ગંભીર રીતે ના દેખાતું હોય તેવા ખેલાડીઓને રાખવામાં આવતા હોય છે. તેમાં દ્રષ્ટિહીનતાથી લઈ ઘણું ઓછું દેખાતું હોવા સુધીની સ્થિતિ સામેલ હોય છે. 

(12:07 AM IST)