<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

ઈજાઓ, નિષ્ફળતાઓ અને સંઘર્ષને માત આપી ભારતીય બોક્સર સાક્ષી ચૌધરીએ CWG માં મેડલ પાકો કર્યો: પિતાનો વિશ્વાસ અને કોહલીનો સાથ બન્યો તાકાત!

51 કિગ્રા કેટેગરીમાં ક્વાર્ટર ફાઇનલ જીતી કાંસ્ય ચંદ્રક નિશ્ચિત કર્યો: પિતા મનોજ કુમારના ત્યાગ, વિરાટ કોહલી ફાઉન્ડેશનના ટેકા અને કોચની મહેનતે ચમકાવી હરિયાણાની ગોલ્ડન ગર્લ

ચેન્નાઈ, તા.30: ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ (CWG) માં ભારતીય મહિલા બોક્સર સાક્ષી ચૌધરીએ પોતાના શાનદાર ફૂટવર્ક અને ચોક્કસ પંચના દમ પર ઇતિહાસ રચી દીધો છે. 51 કિગ્રા વજન વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં સ્કોટલેન્ડના એસઈસી હોલ 5 ખાતે રમાયેલી રોમાંચક મેચમાં સાક્ષીએ કેથલિન ફ્રાયર્સને 5-0 થી એકતરફી હાર આપીને ઓછામાં ઓછો કાંસ્ય ચંદ્રક (બ્રોન્ઝ મેડલ) પાકો કરી લીધો છે.
આ મેડલ માત્ર એક રમતગમતની જીત નથી, પરંતુ ઈજાઓ, સતત નિષ્ફળતાઓ અને માનસિક તણાવ સામે સાક્ષીના અવિરત સંઘર્ષની કહાની છે. 25 વર્ષીય સાક્ષીના પિતા મનોજ કુમાર, જેઓ ભિવાની જિલ્લાના ધનાના ગામના એક સામાન્ય ખેડૂત છે, તેમણે પોતાની પુત્રીને બોક્સિંગ ચેમ્પિયન બનાવવા માટે દરરોજ 80 કિલોમીટરનો પ્રવાસ કરીને તાલીમ અપાવી હતી. ટોક્યો અને પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય ન થઈ શકવાનો આઘાત અને ખભા-પગની ગંભીર ઈજાઓ છતાં પિતાએ ક્યારેય સાક્ષીનો હાથ છોડ્યો નહોતો અને તેને સતત આગળ વધવા પ્રેરણા આપી હતી.
સાક્ષીની આ સફળતામાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને તેમના ફાઉન્ડેશનનો પણ મોટો હાથ રહ્યો છે. સાક્ષી વિરાટ કોહલીને પોતાના આદર્શ માને છે. જ્યારે સાક્ષીના કરિયરમાં સૌથી મુશ્કેલ સમય ચાલી રહ્યો હતો, ત્યારે 'વિરાટ કોહલી ફાઉન્ડેશન' દ્વારા તેને ત્રણ વર્ષ સુધી નાણાકીય અને તાલીમ માટે પ્રાયોજિત કરવામાં આવી હતી. વિરાટ સાથેની મુલાકાત અને તેમના તરફથી મળેલી પ્રેરણાએ સાક્ષીને માનસિક રીતે અત્યંત મજબૂત બનાવી હતી.
ભિવાની બોક્સિંગ ક્લબ (BBC) ના પ્રખ્યાત કોચ જગદીશ સિંહ અને હાલમાં આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ (ASI) પુણેમાં તેને તાલીમ આપી રહેલા કોચ છોટે લાલ યાદવે પણ સાક્ષીના કૌશલ્યને નિખારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. અગાઉ જુનિયર વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી સાક્ષીએ તાજેતરમાં જ ભારતની સ્ટાર બોક્સર નિખત ઝરીનને હરાવીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી. હવે સેમિફાઇનલમાં પ્રવેશતા જ સાક્ષી દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને લાવશે તેવી દેશવાસીઓને અને તેના કોચને પૂરી આશા છે.

(5:44 PM IST)