News of Saturday, 28th November 2026
મહિલા અન્ડર-19 એશિયા કપ માટે ભારતીય ટીમ જાહેર: સુરતની અચસા પરમાર અને નવસારીની મૈત્રી મણિયારની પસંદગી
મુંબઈની ભાવિકા આહિરે કૅપ્ટન અને મધ્ય પ્રદેશની અનાદી તાગડે વાઇસ-કૅપ્ટન; વડોદરામાં ઈંગ્લૅન્ડ સામેની ટી-20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન બાદ ગુજરાતની બંને ખેલાડીઓને તક

નવી દિલ્હી : આગામી મહિલા અન્ડર-19 એશિયા કપ ટૂર્નામેન્ટ માટે બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતનું ગૌરવ વધારતા સુરતની અચસા પરમાર અને નવસારીમાં જન્મેલી મૈત્રી મણિયારનો સમાવેશ કરાયો છે. મુંબઈની વિકેટકીપર-બૅટર ભાવિકા આહિરેને ટીમની કૅપ્ટન્સી સોંપવામાં આવી છે, જ્યારે મધ્ય પ્રદેશની અનાદી તાગડેને વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવી છે.
હાલમાં ભારતીય અન્ડર-19 મહિલા ટીમ વડોદરામાં ઈંગ્લૅન્ડ અન્ડર-19 ટીમ સામે ટી-20 શ્રેણી રમી રહી છે, જેમાં ભાવિકા આહિરેના નેતૃત્વમાં ભારતે 2-0ની સરસાઈ મેળવી લીધી છે.
ગુરુવારે રમાયેલી શ્રેણીની પ્રથમ મૅચમાં ભાવિકાએ 63 રન અને અચસા પરમારે 52 રન બનાવ્યા હતા, જ્યારે મૈત્રી મણિયારે બે વિકેટ ઝડપીને ભારતને 36 રનથી વિજય અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
શનિવારે રમાયેલી બીજી મૅચમાં પણ અચસા પરમારે 41 બૉલમાં છ છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી 81 રનની મૅચ-વિનિંગ ઇનિંગ રમી હતી અને મૈત્રી મણિયારે ફરી બે વિકેટ મેળવી હતી, ઉપરાંત કર્ણાટકની સ્પિન ઑલરાઉન્ડર ઉમા કાશ્વીને પણ બંને મૅચના શાનદાર પ્રદર્શન બદલ ટીમમાં સ્થાન મળ્યું છે.
એશિયા કપ માટે જાહેર થયેલી 15 સભ્યોની ટીમમાં ભાવિકા આહિરે (કૅપ્ટન, વિકેટકીપર), અનાદી તાગડે (વાઇસ-કૅપ્ટન), ઇરા જાધવ, અચસા પરમાર, મૈત્રી મણિયાર, ઉમા કાશ્વી, નિધી મહતો, પૂર્વા સિવાચ, મહેક નર્વાસે, ઇશ્વરી અવસારે, દીયા યાદવ, શ્રેયા ચવાણ (વિકેટકીપર), સમઇરા રાઘવ, કુમારી પલક અને પલક સિંહનો સમાવેશ થાય છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
