<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય વેઇટલિફ્ટર સંજનાએ શાનદાર પ્રદર્શન કરીને મહિલાઓની ૭૭ કિલોગ્રામ કેટેગરીમાં ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા

ગાંધીનગરમાં રમાઈ રહેલી સ્પર્ધાના છઠ્ઠા દિવસે ચીનના યી તુએ ૯૪ કિલોગ્રામ પુરુષ વર્ગમાં અને ગુઇફાંગ લિયાએ મહિલા વર્ગમાં ત્રણેય ગોલ્ડ મેડલ મેળવીને દબદબો રાખ્યો

ગાંધીનગર : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં યોજાઈ રહેલી ૨૦૨૬ એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપના છઠ્ઠા દિવસે ભારતીય રમતવીરોએ શાનદાર સફળતા મેળવી છે. ભારતની મહિલા વેઇટલિફ્ટર સંજનાએ મહિલાઓની ૭૭ કિલોગ્રામ વજન કેટેગરીમાં શાનદાર રમતનું પ્રદર્શન કરીને દેશને ત્રણ બ્રોન્ઝ મેડલ અપાવ્યા છે. સંજનાએ સ્નેચ, ક્લીન એન્ડ જર્ક તેમજ કુલ વજન ઉપાડવાની એમ ત્રણેય સ્પર્ધાઓમાં ત્રીજું સ્થાન મેળવીને ભારતના મેડલની સંખ્યામાં વધારો કર્યો છે. આ મેડલ વિજેતા ખેલાડીઓની શ્રેષ્ઠ રમત બદલ ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ દ્વારા તમામને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

મહિલાઓની ૭૭ કિલોગ્રામ વજન કેટેગરીમાં ભારતીય ખેલાડી સંજનાએ સ્નેચ રાઉન્ડમાં ૯૬ કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં ૧૨૪ કિલોગ્રામ વજન ઉપાડ્યું હતું. આ સાથે જ તેણે કુલ ૨૨૦ કિલોગ્રામ વજન ઉઠાવીને ભારતના ખાતામાં ત્રણ બ્રોન્ઝ મેડલ જમા કરાવ્યા હતા. આ જ કેટેગરીમાં ચીનની મહિલા ખેલાડી ગુઇફાંગ લિયાએ સ્નેચમાં ૧૧૮ કિલોગ્રામ, ક્લીન એન્ડ જર્કમાં ૧૪૭ કિલોગ્રામ અને કુલ ૨૬ કિલોગ્રામ વજન સાથે ત્રણેય ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા. જ્યારે ઉત્તર કોરિયાની ખેલાડી ક્યોંગ ર્યોંગ કીમે સ્નેચમાં ૧૧૫ કિલોગ્રામ, ક્લીન એન્ડ જર્કમાં ૧૪૫ કિલોગ્રામ અને કુલ ૨૬૦ કિલોગ્રામ વજન ઉઠાવીને ત્રણ સિલ્વર મેડલ મેળવ્યા હતા.

બીજી તરફ પુરુષોની ૯૪ કિલોગ્રામ વજન કેટેગરીમાં ચીનના ખેલાડી યી તુએ સ્પર્ધામાં સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું. યી તુએ સ્નેચમાં ૧૭૫ કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં ૨૧૧ કિલોગ્રામ વજન ઉઠાવીને કુલ ૩૮૬ કિલોગ્રામના રેકોર્ડ સાથે ત્રણેય ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો. આ કેટેગરીમાં ઉઝબેકિસ્તાનના ખેલાડી મુખમ્મદકોદિર તોશ્તેમિરોવે સ્નેચમાં ૧૬૬ કિલોગ્રામ, ક્લીન એન્ડ જર્કમાં ૨૦૭ કિલોગ્રામ અને કુલ ૩૭૩ કિલોગ્રામ વજન સાથે ત્રણ સિલ્વર મેડલ જીત્યા હતા. તુર્કમેનિસ્તાનના ખેલાડી રુસ્તેમ અન્નાબર્દિયેવે સ્નેચમાં ૧૫૮ કિલોગ્રામ, ક્લીન એન્ડ જર્કમાં ૧૯૬ કિલોગ્રામ અને કુલ ૩૫૪ કિલોગ્રામ વજન ઉઠાવીને ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.

આ ઉપરાંત મહિલાઓની ૮૬ કિલોગ્રામ વજન કેટેગરીમાં પણ ચીનનો દબદબો જોવા મળ્યો હતો. ચીનની ખેલાડી કુઇટિંગ પેંગે સ્નેચમાં ૧૨૭ કિલોગ્રામ, ક્લીન એન્ડ જર્કમાં ૧૪૩ કિલોગ્રામ અને કુલ ૨૭૦ કિલોગ્રામ વજન સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. બહેરીનની ખેલાડી આલિના મારુશચાકે સ્નેચમાં ૧૨૦ કિલોગ્રામ, ક્લીન એન્ડ જર્કમાં ૧૪૫ કિલોગ્રામ અને કુલ ૨૬૫ કિલોગ્રામ વજન સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. દક્ષિણ કોરિયાની ખેલાડી હ્યોન્જુ જાંગે સ્નેચમાં ૧૦૯ કિલોગ્રામ, ક્લીન એન્ડ જર્કમાં ૧૩૬ કિલોગ્રામ અને કુલ ૨૪૫ કિલોગ્રામ વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અશ્વાની કુમારે આ તમામ પરિણામો સત્તાવાર રીતે જાહેર કર્યા છે.

(9:34 PM IST)