News of Friday, 8th May 2026
વડોદરામાં છવાશે વન-ડેનો રોમાંચ કોટંબી સ્ટેડિયમમાં ઝિમ્બાબ્વે સામે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો મુકાબલો
વન-ડે શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ અનુભવી ખેલાડી હરમનપ્રીત કૌર કરશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આગામી ઓક્ટોબર 2026 માં યોજાનારા ઝિમ્બાબ્વે મહિલા ટીમના ભારત પ્રવાસની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ રોમાંચક પ્રવાસ અંતર્ગત ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ T20 અને ત્રણ વન-ડે મેચની શ્રેણી રમાશે, જેમાં વન-ડે મેચની યજમાની સંસ્કારી નગરી વડોદરાને સોંપવામાં આવી છે.
આ હોમ સિરીઝ માટે ભારતીય ટીમ સંપૂર્ણ રીતે તૈયાર છે. વન-ડે શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ અનુભવી ખેલાડી હરમનપ્રીત કૌર કરશે, જ્યારે T20 ફોર્મેટ માટે ટીમની કમાન સ્મૃતિ મંધાનાના હાથમાં રહેશે. ઉભરતી ઝિમ્બાબ્વેની ટીમ સામે ભારતીય મહિલાઓનું પ્રદર્શન સ્થાનિક પ્રેક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ પ્રવાસની શરૂઆત છત્તીસગઢના રાયપુરથી થશે, જ્યાં બંને ટીમો વચ્ચે સાંજે 7:00 વાગ્યે ત્રણેય T20 મેચ રમાશે. ત્યારબાદ બંને ટીમો વડોદરા આવશે. વડોદરાના આધુનિક કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ત્રણેય વન-ડે મેચ રમાશે. નોંધનીય છે કે કોટંબી સ્ટેડિયમ આ પહેલા પણ મહિલા પ્રીમિયર લીગ (WPL) અને ભારતીય મહિલા ટીમની મેચોની શાનદાર યજમાની કરી ચૂક્યું છે.
T20I શ્રેણી (સ્થળ: રાયપુર, સમય: સાંજે 7:00 વાગ્યે)
- પહેલી T20I: 16 ઓક્ટોબર, 2026
- બીજી T20I: 18 ઓક્ટોબર, 2026
- ત્રીજી T20I: 20 ઓક્ટોબર, 2026
વન-ડે (ODI) શ્રેણી (સ્થળ: કોટંબી સ્ટેડિયમ, વડોદરા)
- પહેલી ODI: 23 ઓક્ટોબર, 2026
- બીજી ODI: 25 ઓક્ટોબર, 2026
- ત્રીજી ODI: 28 ઓક્ટોબર, 2026
વડોદરામાં રમાનારી આ વન-ડે મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે, જેથી તે ડે-નાઈટ જેવી પરિસ્થિતિમાં રમાશે. આ મોટી ઇવેન્ટને ધ્યાનમાં રાખીને સ્થાનિક ક્રિકેટ એસોસિએશન દ્વારા સ્ટેડિયમમાં સુવિધાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરની મહિલા ક્રિકેટને લાઈવ નિહાળવાની ગુજરાતના ચાહકો માટે આ એક સુવર્ણ તક છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
