તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
મલેશિયાને પછાડી ભારતીય મહિલા હોકી ટીમનો વિજયી પ્રારંભ
૪-૧થી હરાવી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટાઇટલ બચાવવાની ઝુંબેશ શરૂ કરીઃ એક ગોલથી પાછળ પડયા બાદ ભારતીય ખેલાડીઓની જોરદાર વાપસી, ડેબ્યૂ મેચમાં પૂજા સાહૂ છવાઈ

ભોપાલઃ ભારતીય મહિલા હોકી ટીમે મધ્યપ્રદેશના ભોપાલ ખાતે શરૂ થયેલી મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૨૬માં વિજયી શરૂઆત કરી છે. ગત વખતની ચેમ્પિયન ભારતીય ટીમે પ્રથમ મુકાબલામાં મલેશિયાને ૪-૧થી હરાવીને પોતાના ખિતાબનો બચાવ કરવાની દિશામાં મજબૂત પગલું ભર્યું છે. મુકાબલાની શરૂઆતમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. પ્રથમ ક્વાર્ટરમાં એકપણ ટીમ ગોલ કરી શકી નહોતી. જોકે, બીજા ક્વાર્ટરની ૧૯મી મિનિટે મલેશિયાની નુરામિરાહ ઝુલ્કિફલીએ ગોલ કરીને ભારતને મુશ્કેલીમાં મૂક્યું હતું. પરંતુ ભારતીય ટીમે તરત જ જવાબ આપ્યો હતો. ૨૦મી મિનિટે મુમતાઝ ખાને ગોલ કરીને સ્કોર ૧-૧થી બરાબર કરી દીધો હતો.
હાફ ટાઇમ સુધી બંને ટીમો બરાબરી પર રહી હતી. ત્યારબાદ બીજા હાફમાં ભારતીય ખેલાડીઓએ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. ૩૫મી મિનિટે કેપ્ટન સલીમા ટેટે ગોલ કરીને ભારતને ૨-૧ની સરસાઈ અપાવી હતી. ત્યારબાદ પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમી રહેલી પૂજા સાહૂએ ૩૯મી મિનિટે પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવીને ત્રીજો ગોલ નોંધાવ્યો હતો.
ભારતની આક્રમક રમત અહીં અટકી નહોતી. ૪૯મી મિનિટે લાલરેમસિયામીએ વધુ એક ગોલ ફટકારીને ભારતની સરસાઈ ૪-૧ કરી દીધી હતી. અંતે ભારતે આ જ સ્કોર સાથે શાનદાર વિજય મેળવ્યો હતો. ડેબ્યૂ મેચમાં ગોલ નોંધાવનાર પૂજા સાહૂને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભારતે તાજેતરમાં એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યા બાદ ફરી એક વખત આંતરરાષ્ટ્રીય મેદાનમાં પોતાની તાકાતનો પરિચય કરાવ્યો છે. હવે ભારતીય ટીમનો આગામી મુકાબલો ૨૧ નવેમ્બરે દક્ષિણ કોરિયા સામે રમાશે. ટૂર્નામેન્ટમાં ભારતની આ વિજયી શરૂઆતથી ચાહકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
