તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
ભારતની બેટિંગનો ધમાકો : ૪૪૦ રને ૩ વિકેટ, ન્યૂઝીલેન્ડ સામે ૭૨ રનની લીડ
રાહુલની શાનદાર ૧૩૬ રનની ઈનિંગ્સ, જયસ્વાલ-પડિક્કલની અડધી સદી; ગિલ ૯૨ અને પંત ૧૯ રને અણનમ

નવી દિલ્હી, તા. ર૧: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય બેટરોએ જોરદાર પ્રદર્શન કરીને મેચ પર મજબૂત પકડ જમાવી છે. ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગ્સના ૩૬૮ રનના જવાબમાં ભારતે પ્રથમ ઈનિંગ્સમાં ૧૧૭.૪ ઓવરના અંતે ૩ વિકેટે ૪૪૦ રન બનાવી લીધા છે અને ૭૨ રનની મહત્વપૂર્ણ સરસાઈ મેળવી છે.
ભારત તરફથી કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરતાં ૨૯૦ બોલમાં ૯ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૧૩૬ રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે ૮૯ બોલમાં ૮૫ રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી, જ્યારે દેવદત્ત પડિક્કલે ૧૭૫ બોલમાં ૮૦ રનનું યોગદાન આપ્યું હતું.
કેપ્ટન શુભમન ગિલે પણ જવાબદારીપૂર્વક બેટિંગ કરતાં ૧૨૭ બોલમાં ૯ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી અણનમ ૯૨ રન ફટકાર્યા છે. તેની સાથે વિકેટકીપર ઋષભ પંત ૩૯ બોલમાં ૧૯ રન બનાવી ક્રિઝ પર અણનમ છે.
ન્યૂઝીલેન્ડના બોલરો ભારતીય બેટિંગ સામે ખાસ અસરકારક સાબિત થઈ શકયા નથી. મેટ હેનરી, નાથન સ્મિથ અને કાયલ જેમીસનને એક-એક વિકેટ મળી છે. ભારતીય ટીમે હવે પ્રથમ ઈનિંગ્સમાં સરસાઈ વધારીને ન્યૂઝીલેન્ડ પર દબાણ ઊભું કર્યું છે. ગિલ સદીથી માત્ર ૮ રન દૂર છે ત્યારે ચોથા દિવસે ભારતીય બેટરો કેટલી મોટી લીડ અપાવે છે તેના પર સૌની નજર રહેશે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
