News of Saturday, 9th May 2026
IPL 2026 : સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સની ગર્જના : રાજસ્થાન રોયલ્સને 77 રને હરાવી જીતનો ‘ચોક્કો’ લગાવ્યો
શુભમન ગિલ અને સાઈ સુદર્શનની તોફાની અડધી સદીની મદદથી ગુજરાતે ખડક્યો 229 રનનો વિશાળ સ્કોર : રવિન્દ્ર જાડેજા અને વૈભવ સૂર્યવંશીની લડત એળે ગઈ : રાજસ્થાનની ટીમ 152 રનમાં ઓલઆઉટ

જયપુર: આઈપીએલ 2026ની 52મી રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સે શાનદાર પ્રદર્શન કરતા રાજસ્થાન રોયલ્સને તેના જ ઘરઆંગણે 77 રનના વિશાળ અંતરથી પરાજય આપ્યો છે. સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલા આ એકતરફી મુકાબલામાં ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 229 રનનો પહાડ જેવો સ્કોર ઉભો કર્યો હતો. જેના જવાબમાં યશસ્વી જાયસ્વાલની કેપ્ટનશીપ હેઠળની રાજસ્થાન રોયલ્સની ટીમ માત્ર 16.3 ઓવરમાં 152 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે શુભમન ગિલની ટીમે ચાલુ સિઝનમાં સતત ચોથી જીત નોંધાવી છે.
શુભમન-સાઈની ઓપનિંગ જોડીનો ધમાકો
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત અત્યંત સ્ફોટક રહી હતી. કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શન વચ્ચે પ્રથમ વિકેટ માટે 118 રનની મોટી ભાગીદારી થઈ હતી. શુભમન ગિલે માત્ર 44 બોલમાં 84 રનની કેપ્ટન ઇનિંગ રમી હતી, જ્યારે સાઈ સુદર્શને 36 બોલમાં 55 રન ફટકારી ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી હતી. જોસ બટલરે 13 રન અને જેસન હોલ્ડરે 7 રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન તરફથી બોલિંગમાં રવિન્દ્ર જાડેજા અને યશરાજ પુનિયાએ એક-એક વિકેટ ઝડપી હતી.
રાજસ્થાનની બેટિંગ લાઇનઅપ ધરાશાયી
230 રનના કપરા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત આક્રમક રહી હતી. યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ માત્ર 16 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 36 રન ફટકારી આશા જગાવી હતી, પરંતુ મોહમ્મદ સિરાજની બોલિંગમાં તે આઉટ થતા જ વિકેટોનો સિલસિલો શરૂ થયો હતો. શિમરોન હેટમાયર માત્ર 6 રન બનાવી આઉટ થયા હતા. મધ્યક્રમમાં રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 38 રન બનાવી સંઘર્ષ કર્યો હતો, પરંતુ અન્ય કોઈ બેટર લાંબુ ટકી શક્યા નહોતા. ગુજરાતના બોલરો સામે રાજસ્થાનના બેટરો લાચાર જણાયા હતા અને આખી ટીમ 17મી ઓવરમાં જ સમેટાઈ ગઈ હતી.
રિયાણ પરાગની ગેરહાજરી અને ટીમમાં ફેરફાર
રાજસ્થાન રોયલ્સના નિયમિત કેપ્ટન રિયાણ પરાગ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે આ મેચમાંથી બહાર રહ્યા હતા, જેથી કેપ્ટનશીપની જવાબદારી યશસ્વી જાયસ્વાલને સોંપવામાં આવી હતી. રાજસ્થાને પોતાની ટીમમાં શિમરોન હેટમાયર અને યશરાજ પુનિયાનો સમાવેશ કર્યો હતો. બીજી તરફ, ગુજરાતે માનવ સુથારના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાને પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન આપ્યું હતું.
પોઈન્ટ ટેબલની સ્થિતિ
આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ હવે 10 મેચમાં 6 જીત અને 4 હાર સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ પણ સમાન જીત અને હાર ધરાવે છે, પરંતુ સારા રન રેટને કારણે તે ચોથા ક્રમે યથાવત છે.
ગુજરાત ટાઇટન્સ પ્લેઈંગ ઇલેવન: શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટ કીપર), નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, કગિસો રબાડા, મોહમ્મદ સિરાજ.
રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઇલેવન: યશસ્વી જાયસ્વાલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવિન્દ્ર જાડેજા, શુભમ દુબે, દશુન શનાકા, જોફ્રા આર્ચર, તુષાર દેશપાંડે, બ્રિજેશ શર્મા, યશરાજ પુનિયા.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
