News of Friday, 8th May 2026
IPL 2026: અરૂણ જેટલી સ્ટેડિયમમાં જામશે હાઈ-વોલ્ટેજ ડ્રામા, કોલકાતાએ ટોસ જીતી દિલ્હીને બેટિંગનું આપ્યું આમંત્રણ
પોઈન્ટ ટેબલની રેસમાં ટકી રહેવા બંને ટીમો વચ્ચે 'કરો યા મરો' જેવો જંગ: અજિંક્ય રહાણેના નેતૃત્વમાં KKR વિજયી લય જાળવી રાખવા તૈયાર, જ્યારે અક્ષર પટેલની સેના વળતો પ્રહાર કરવા થનગની રહી છે

નવી દિલ્હી: : IPL 2026 ના 51મા મુકાબલામાં આજે દિલ્હીના ઐતિહાસિક અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામસામે ટકરાશે. મેચની શરૂઆતમાં જ કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે, જેનો અર્થ છે કે અક્ષર પટેલની આગેવાની હેઠળની દિલ્હીની ટીમ પ્રથમ બેટિંગ કરીને મોટો સ્કોર ઊભો કરવા મેદાનમાં ઉતરશે.
સીઝનની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધી ૧૦ મેચ રમી છે, જેમાંથી ૪માં જીત મેળવી છે અને ૬માં હારનો સામનો કરવો પડ્યો છે. હાલમાં દિલ્હી પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. બીજી તરફ, કોલકાતા નાઈટ રાઈડર્સે ૯ મેચ રમી છે, જેમાંથી ૩માં જીત અને ૫માં હાર મળી છે. જોકે, KKR માટે રાહતના સમાચાર એ છે કે તેઓએ છેલ્લી સતત ત્રણ મેચો જીતીને શાનદાર વાપસી કરી છે અને આજે જીતનો ચોગ્ગો ફટકારીને આઠમા સ્થાનેથી ઉપર આવવા પ્રયાસ કરશે.
દિલ્હીની ટીમમાં કેએલ રાહુલ, નીતીશ રાણા અને કેપ્ટન અક્ષર પટેલ જેવા દિગ્ગજો પર રન બનાવવાની જવાબદારી રહેશે, જ્યારે બોલિંગમાં કુલદીપ યાદવ અને મિશેલ સ્ટાર્ક ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. કોલકાતાની ટીમમાં રહાણેની સાથે ફિન એલન અને રિન્કુ સિંહ વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા છે, જ્યારે સુનીલ નરેન અને વરુણ ચક્રવર્તીની સ્પિન જોડી દિલ્હીના બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે. સાંજે ૭:૩૦ વાગ્યે શરૂ થનારો આ મુકાબલો બંને ટીમો માટે પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે અત્યંત મહત્વનો છે.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
