News of Saturday, 16th May 2026
IPL 2026 : KKR એ રોક્યો ગુજરાત ટાઇટન્સનો વિજય રથ : ઇડન ગાર્ડન્સના મેદાન પર હાઇ-સ્કોરિંગ મેચમાં ૨૯ રને કચડી પ્લેઓફની આશા જીવંત રાખી
ફિન એલન અને અંગકૃષ રઘુવંશીની તોફાની અડધી સદીની મદદથી કોલકાતાએ ખડક્યો ૨૪૭ રનનો વિશાળ સ્કોર : સતત પાંચ જીત બાદ શુભમન ગીલની ગુજરાત ટાઇટન્સની શાનદાર સફર અટકી

કોલકાતા : આઇપીએલ ૨૦૨૬ ની ૬૦મી રોમાંચક મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે શાનદાર પ્રદર્શન કરીને ગુજરાત ટાઇટન્સના સતત પાંચ મેચના વિજય રથને રોકી દીધો છે. કોલકાતાના હોમ ગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સ ખાતે શનિવારની રાત્રે રમાયેલી આ હાઇ-સ્કોરિંગ મેચમાં KKR એ ગુજરાત ટાઇટન્સને ૨૯ રનના મોટા અંતરથી હરાવીને ટૂર્નામેન્ટના પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશાઓ જીવંત રાખી છે. જો આ મેચમાં કોલકાતાની હાર થઈ હોત તો તે સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું હોત, જ્યારે ગુજરાત ટાઇટન્સ આ મેચ જીતીને ૧૮ પોઇન્ટ સાથે પ્લેઓફમાં પોતાની જગ્યા પાકી કરી શક્યું હોત.
કોલકાતાના બેટ્સમેનોનો ઇડન ગાર્ડન્સમાં ધમાકો:
મેચમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગીલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જેને કોલકાતા નાઇટ રાઇડર્સના ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ સંપૂર્ણપણે ખોટો સાબિત કર્યો હતો. કેપ્ટન અજિંક્ય રહાણે ૧૪ બોલમાં ૧૪ રન બનાવીને જ્યારે ટીમનો સ્કોર ૪૪ રન હતો ત્યારે આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ ફિન એલન અને અંગકૃષ રઘુવંશીએ મેદાન પર આવીને ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. ફિન એલને માત્ર ૩૫ બોલમાં ૧૦ છગ્ગા અને ૪ ચોગ્ગાની મદદથી ૯૩ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી અને તે પોતાના શતકથી થોડો ચૂકી ગયો હતો. જ્યારે અંગકૃષ રઘુવંશીએ ૪૪ બોલમાં ૭ છગ્ગા અને ૪ ચોગ્ગા ફટકારીને શાનદાર ૮૨ રન બનાવ્યા હતા. આ ઉપરાંત કેમરૂન ગ્રીને પણ આક્રમક બેટિંગ કરતા ૨૮ બોલમાં ૪ છગ્ગા અને ૩ ચોગ્ગાની મદદથી પ૨ રન ઝૂડી કાઢ્યા હતા. આ ત્રિપુટીની તોફાની બેટિંગના સહારે કોલકાતાએ ૨૦ ઓવરમાં ૨ વિકેટના નુકસાને ૨૪૭ રનનો હિમાલય જેવો વિશાળ સ્કોર ખડક્યો હતો અને ગુજરાત સામે ૨૪૮ રનનો મોટો લક્ષ્યાંક મૂક્યો હતો.
ગુજરાત ટાઇટન્સ લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ રહી:
કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા આપવામાં આવેલા ૨૪૮ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમ લાખ કોશિશ કરવા છતાં ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને માત્ર ૨૧૮ રન જ બનાવી શકી હતી. આ સાથે જ ગુજરાત ટાઇટન્સ ૨૯ રનથી મેચ હારી ગયું હતું.
બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન આ મુજબ હતી:
કોલકાતા નાઇટ રાઇડર્સ: અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, અંગકૃષ રઘુવંશી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, મનીષ પાંડે, રિંકુ સિંગ, સુનિલ નરેન, અનુકૂલ રોય, વરુણ ચક્રવર્તી, સૌરભ દુબે, કાર્તિક ત્યાગી.
ગુજરાત ટાઇટન્સ: સાઇ સુદર્શન, શુભમન ગીલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાશિદ ખાન, અર્શદ ખાન, કગિસો રબાડા, રવિશ્રીનિવાસન સાઇ કિશોર, મોહમ્મદ સિરાજ.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
