<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

IPL-2026 : મિશેલ માર્શની તોફાની સદી : લખનઉ સુપર જાયન્ટ્સે બેંગલુરુને 9 રને હરાવ્યું

DLS મેથડથી લખનઉની જીત : રજત પાટીદારની ફિફ્ટી એળે ગઈ : પ્રિન્સ યાદવની ત્રણ વિકેટ અને ઋષભ પંતની આક્રમક બેટિંગથી આરસીબી પરાસ્ત

 

લખનઉ:આઈપીએલની 50મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે શાનદાર વિજય મેળવ્યો છે. મિશેલ માર્શની વિસ્ફોટક સદી અને બોલરોમાં પ્રિન્સ યાદવના ધારદાર સ્પેલની મદદથી લખનઉએ ડીએલએસ (DLS) મેથડના આધારે બેંગલુરુને 9 રને પરાજય આપ્યો હતો.

બેંગલુરુની બેટિંગ - પાટીદાર અને ડેવિડની લડત:

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેંગલુરુની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. સ્ટાર બેટર વિરાટ કોહલી શૂન્ય રને પ્રિન્સ યાદવનો શિકાર બન્યો હતો, જ્યારે જેકબ બેથલ પણ માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો. જોકે, રજત પાટીદારે વળતી લડત આપતા 31 બોલમાં 6 સિક્સર સાથે 61 રન ફટકાર્યા હતા. દેવદત્ત પડિક્કલે 34 રનનું યોગદાન આપ્યું હતું. અંતિમ ઓવરોમાં ટિમ ડેવિડે માત્ર 17 બોલમાં 40 રન અને કૃણાલ પંડ્યાએ અણનમ 28 રન બનાવતા બેંગલુરુએ 19 ઓવરમાં 6 વિકેટે 203 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. લખનઉ તરફથી પ્રિન્સ યાદવે 4 ઓવરમાં 33 રન આપી 3 મહત્વની વિકેટ ઝડપી હતી.

લખનઉનો વળતો પ્રહાર - મિશેલ માર્શનો કહેર:

204 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લખનઉની ટીમે મિશેલ માર્શના તોફાનના સહારે જીત તરફ કદમ વધાર્યા હતા. માર્શે માત્ર 56 બોલમાં 9 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 111 રનની યાદગાર સદી ફટકારી હતી. અર્શિન કુલકર્ણીએ 17 અને નિકોલસ પૂરને 38 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન ઋષભ પંતે અંતમાં આક્રમક બેટિંગ કરતા માત્ર 10 બોલમાં 320ના સ્ટ્રાઈક રેટથી અણનમ 32 રન ઝૂડી કાઢ્યા હતા. લખનઉએ 19 ઓવરમાં 3 વિકેટે 209 રન બનાવી લીધા હતા, ત્યારે મેચ અટકતા ડીએલએસ મેથડ મુજબ લખનઉને 9 રને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. બેંગલુરુ તરફથી ભુવનેશ્વર કુમાર સિવાયના તમામ બોલરો મોંઘા સાબિત થયા હતા.

(12:38 AM IST)