<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

IPL ૨૦૨૬ના ખેલાડીઓ પર ‘હનીટ્રેપ'નું સંકટઃ હોટલના રૂમમાં એન્‍ટ્રી પર BCCIનો સખત પ્રતિબંધ

હવે ટીમ મેનેજરની લેખિત મંજૂરી વગર બહારની વ્‍યક્‍તિનો પ્રવેશ અશકય : ક્રિકેટના મેદાન બહાર ગ્‍લેમર અને વિવાદોના વંટોળ વચ્‍ચે ખેલાડીઓની સુરક્ષા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો અભેદ્ય કિલ્લો

મુંબઈ, તા.૮: IPL ૨૦૨૬ ની રોમાંચક મેચો વચ્‍ચે BCCI એ ખેલાડીઓની સુરક્ષા અને પ્રતિષ્ઠા જાળવવા માટે એક અત્‍યંત કડક ‘એડવાઈઝરી'જારી કરી છે. બોર્ડને આશંકા છે કે હાઈ-પ્રોફાઈલ ખેલાડીઓને સોશિયલ મીડિયા અથવા અન્‍ય માધ્‍યમો દ્વારા ‘હનીટ્રેપ'માં ફસાવવાના ષડયંત્રો રચાઈ શકે છે. આ જોખમને ટાળવા માટે, હવેથી કોઈપણ ખેલાડી કે સપોર્ટ સ્‍ટાફ તેમના હોટલ રૂમમાં કોઈ પણ બહારની વ્‍યક્‍તિને સીધો બોલાવી શકશે નહીં. સચિવ દેવજીત સૈકિયાએ સ્‍પષ્ટ કર્યું છે કે શિસ્‍તભંગના કિસ્‍સામાં ફ્રેન્‍ચાઈઝી અને ખેલાડી સામે કડક કાર્યવાહી થઈ શકે છે.

નવા નિયમો મુજબ, જો કોઈ ખેલાડીએ તેના સંબંધી કે મિત્રને મળવું હોય, તો તેની મુલાકાત માત્ર હોટલની લોબી, રિસેપ્‍શન લાઉન્‍જ કે કાફેટેરિયા જેવા જાહેર સ્‍થળોએ જ થઈ શકશે. જો અનિવાર્ય સંજોગોમાં મહેમાનને રૂમ સુધી લઈ જવાની જરૂર પડે, તો ટીમ મેનેજરની લેખિત પરવાનગી લેવી ફરજિયાત છે. અત્‍યાર સુધી અનેક કિસ્‍સાઓમાં ખેલાડીઓ મેનેજમેન્‍ટને જાણ કર્યા વગર મહેમાનોને રૂમમાં લઈ જતા હતા, જેનાથી સુરક્ષામાં મોટી ચૂક થવાની ભીતિ સેવાતી હતી. BCCI ની સ્‍પેશિયલ ઓપરેશન્‍સ ટીમ કોઈપણ સમયે હોટલમાં આકસ્‍મિક તપાસ પણ કરશે.

BCCI એ ફ્રેન્‍ચાઈઝીઓને ખાસ ચેતવણી આપી છે કે રમતગમતના આ ગ્‍લેમરસ વાતાવરણમાં જાતીય સતામણી જેવા ગંભીર કાનૂની આરોપો લાગવાનું જોખમ હંમેશા રહેલું હોય છે. હનીટ્રેપ જેવી ઘટનાઓ માત્ર ખેલાડીની કારકિર્દી જ નહીં, પરંતુ દેશની અને આઈપીએલની બ્રાન્‍ડ ઈમેજને પણ નુકસાન પહોંચાડી શકે છે. આથી, દરેક ટીમને તમામ મુલાકાતીઓનો ચોક્કસ રેકોર્ડ રાખવા અને હોટલની હિલચાલ પર બાજ નજર રાખવા આદેશ આપવામાં આવ્‍યો છે, જેથી ખેલાડીઓ મેદાન પર માત્ર રમત પર જ ધ્‍યાન કેન્‍દ્રિત કરી શકે

(10:58 AM IST)