News of Tuesday, 28th April 2026
IPL 2026 : રાજસ્થાન રોયલ્સનો પંજાબ સામે સનસનાટીભર્યો વિજય : પંજાબ કિંગ્સનો અજેય રહેવાનો રથ રોકી ૬ વિકેટે પરાજય આપ્યો
૨૨૩ રનનો વિશાળ લક્ષ્યાંક રાજસ્થાને ૪ બોલ બાકી રહેતા આંબી લીધો : માર્કસ સ્ટોઈનિસની ૨૨ બોલમાં ૬૨ રનની આક્રમક ઈનિંગ એળે ગઈ

મુલ્લાપૂર:IPL 2026ના ૪૦મા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સના હોમ ગ્રાઉન્ડમાં ઘૂસીને શાનદાર પ્રદર્શન કરતા ૬ વિકેટે વિજય મેળવ્યો છે. અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અજેય રહેલી પંજાબ કિંગ્સની ટીમનો આ પ્રથમ પરાજય છે. પંજાબે પ્રથમ બેટિંગ કરતા ૨૨૨ રન બનાવ્યા હતા, જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે ૧૯.૨ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ૨૨૮ રન બનાવી જીત હાંસલ કરી હતી.
મુલ્લાપૂરમાં રમાયેલા આ મેચમાં રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબ કિંગ્સ તરફથી પ્રિયાંશ આર્યાએ ૧૧ બોલમાં ૨૯ રનની વિસ્ફોટક શરૂઆત કરી હતી. ત્યારબાદ પ્રભસિમરન સિંહે ૪૪ બોલમાં ૫૯ રન અને કૂપર કોનોલીએ ૧૪ બોલમાં ૩૦ રન ફટકારી રન રેટ જાળવી રાખ્યો હતો. જોકે, કેપ્ટન શ્રેયસ અય્યર સંઘર્ષ કરતા જણાયા હતા અને ૨૭ બોલમાં ૩૦ રન બનાવી આઉટ થયા હતા. પંજાબની ઈનિંગનો અંત માર્કસ સ્ટોઈનિસે ધમાકેદાર રીતે કર્યો હતો, તેણે બ્રિજેશ શર્માની છેલ્લી ઓવરમાં ૨૪ રન ઝૂડી કાઢ્યા હતા. સ્ટોઈનિસે માત્ર ૨૦ બોલમાં અડધી સદી ફટકારી કુલ ૨૨ બોલમાં ૬૨ રન (૪ ચોગ્ગા, ૬ છગ્ગા) બનાવી અણનમ રહ્યો હતો.
રાજસ્થાન રોયલ્સ તરફથી બોલિંગમાં યશરાજ પુંજાને ૨ વિકેટ મળી હતી, જ્યારે નાંદ્રે બર્ગર અને આર્ચરને ૧-૧ વિકેટ મળી હતી. રવીન્દ્ર જાડેજા સિવાયના તમામ બોલરો મોંઘા સાબિત થયા હતા. જાડેજાએ ૪ ઓવરમાં ૩૨ રન ખર્ચ્યા હતા, જ્યારે બાકીના બોલરોએ ૪૦થી વધુ રન આપ્યા હતા.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે સંયમ અને આક્રમકતાનું સંતુલન જાળવી રાખ્યું હતું. યુવા બેટર વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલે મજબૂત પાયો નાખ્યો હતો. ધ્રુવ જુરેલ અને કેપ્ટન રિયાન પરાગે પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાને છેલ્લી ઓવરના રોમાંચમાં ૪ બોલ બાકી હતા ત્યારે જ જીત મેળવી લીધી હતી.
આ જીત સાથે પોઈન્ટ્સ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ ૮ મેચમાં ૫ જીત અને ૧૦ પોઈન્ટ સાથે ચોથા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ, પંજાબ કિંગ્સ ૭ મેચમાં ૬ જીત અને ૧૩ પોઈન્ટ સાથે હજુ પણ ટોચના સ્થાને યથાવત છે. પંજાબની ટીમ માટે શ્રેયસ અય્યર, પ્રભસિમરન સિંહ અને યુઝવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓ ફોર્મમાં હોવા છતાં આજે રાજસ્થાનની આક્રમક બેટિંગ સામે તેમનું જોર ચાલ્યું નહોતું.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
