તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Wednesday, 15th April 2026
IPL 2026 : બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીનો શાનદાર વિજય : લખનૌ સુપર જાયન્ટ્સને ૫ વિકેટે હરાવી નોંધાવી ધમાકેદાર જીત
વિરાટ કોહલીની ૪૯ રનની લડાયક ઇનિંગ અને રસિખ સલામ ડારની ૪ વિકેટની મદદથી બેંગલુરુએ ૧૪૭ રનનો લક્ષ્યાંક માત્ર ૧૫.૧ ઓવરમાં પાર પાડી મેદાન માર્યું

બેંગલુરુ:આઈપીએલ ૨૦૨૬નો રોમાંચક મુકાબલો ૧૫ એપ્રિલના રોજ બેંગલુરુના ઘર આંગણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ખેલાયો હતો. આ મેચમાં આરસીબીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેંગલુરુના બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા લખનૌની ટીમને માત્ર ૧૪૬ રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ૧૪૭ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આરસીબીની ટીમે ૫ વિકેટ ગુમાવીને ૧૫.૧ ઓવરમાં ૧૪૯ રન બનાવી જીત હાંસલ કરી લીધી હતી.
લખનૌની નબળી બેટિંગ અને બેંગલુરુની ધારદાર બોલિંગ:
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સની શરૂઆત સાધારણ રહી હતી. સલામી બેટ્સમેન મિચેલ માર્શે ૩૨ બોલમાં ૩ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૪૦ રન બનાવ્યા હતા. એડન માર્કરામ ૮ બોલમાં ૧૨ રન બનાવી આઉટ થયો હતો. ત્રીજા નંબરે ઉતરેલા કેપ્ટન રિષભ પંતે ૮ બોલમાં ૧૨ રન અને નિકોલસ પૂરને ૭ બોલમાં માત્ર ૧ રન બનાવ્યો હતો. મધ્યમ ક્રમમાં આયુષ બદૌનીએ ૨૪ બોલમાં ૩૮ રનનું યોગદાન આપ્યું હતું, પરંતુ તે મોટી શોર્ટ રમવાના પ્રયાસમાં આઉટ થયો હતો. નીચલા ક્રમમાં મુકુલ ચૌધરીએ એક છેડો સાચવી રાખી ૨૮ બોલમાં ૩૯ રન બનાવ્યા હતા. આમ, લખનૌની ટીમ ૨૦ ઓવરમાં ૧૦ વિકેટ ગુમાવી ૧૪૬ રન બનાવી શકી હતી.
આરસીબી તરફથી રસિખ સલામ ડારે ઘાતક બોલિંગ કરતા ૪ ઓવરમાં ૨૪ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. જ્યારે ભુવનેશ્વર કુમારે ૪ ઓવરમાં ૨૭ રન ખર્ચ કરીને ૩ બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા.
વિરાટ કોહલી અને પટિદારની આક્રમક બેટિંગ:
૧૪૭ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આરસીબીની શરૂઆત પણ નબળી રહી હતી. ફિલ સોલ્ટ ૮ બોલમાં ૭ રન બનાવી આઉટ થયો હતો, જેને પ્રિન્સ યાદવે પેવેલિયન મોકલ્યો હતો. જોકે, ત્યારબાદ વિરાટ કોહલીએ બાજી સંભાળી હતી અને ૩૪ બોલમાં ૬ ચોગ્ગા તથા ૧ છગ્ગાની મદદથી ૪૯ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. દેવદત્ત પડિક્કલે ૧૧ બોલમાં ૧૫ રન બનાવ્યા હતા. અંતમાં કેપ્ટન રજત પટિદારે ૧૩ બોલમાં ૨૭ રન અને જિતેશ શર્માએ ૯ બોલમાં ૨૩ રનની આક્રમક બેટિંગ કરી ટીમની જીત સુનિશ્ચિત કરી હતી. આરસીબીએ ૧૫.૧ ઓવરમાં જ ૫ વિકેટે ૧૪૯ રન બનાવીને લુખનૌ સામે ભવ્ય જીત મેળવી હતી.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
