<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

IPL 2026 : ઉર્વિલ પટેલનું આક્રમક વાવાઝોડું લખનૌને ઉડાવી ગયું : ચેન્નાઈ સુપર કિંગ્સે 5 વિકેટે શાનદાર વિજય મેળવ્યો

આજના રોમાંચક મુકાબલામાં ચેન્નાઈએ 204 રનનો વિશાળ લક્ષ્યાંક હાંસલ કર્યો : ઉર્વિલ પટેલે માત્ર 13 બોલમાં સૌથી ઝડપી અર્ધશતક ફટકારી યશસ્વી જયસ્વાલની બરાબરી કરી

ચેન્નાઈ:આઈપીએલ 2026ની 53મી મેચમાં ચેન્નાઈના એમ.એ. ચિદંબરમ સ્ટેડિયમ ખાતે રમાયેલા હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટે પરાજય આપી ધમાકેદાર જીત મેળવી છે. રવિવારે બપોરે રમાયેલી આ મેચમાં ચેન્નાઈના બેટ્સમેન ઉર્વિલ પટેલે પોતાની તોફાની બેટિંગથી ઈતિહાસ રચી દીધો હતો. તેણે મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી માત્ર 13 બોલમાં અર્ધશતક ફટકારીને આઈપીએલ ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટીના રેકોર્ડની બરાબરી કરી હતી.

લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 203 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. લખનૌ તરફથી રિષભ પંત, નિકોલસ પૂરન અને મિચેલ માર્શ જેવા દિગ્ગજોએ આક્રમક રમત દાખવીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. ચેન્નાઈના બોલરોએ અંતિમ ઓવરોમાં અંકુશ મેળવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં લખનૌએ ચેન્નાઈ સમક્ષ 204 રનનો પહાડ જેવો લક્ષ્યાંક મૂક્યો હતો.

જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમની શરૂઆત આક્રમક રહી હતી. સંજુ સેમસન ખાસ કમાલ કરી શક્યો ન હતો, પરંતુ ઉર્વિલ પટેલના વાવાઝોડાએ મેચનું પાસું પલટી નાખ્યું હતું. ઉર્વિલની આક્રમક ઈનિંગને કારણે ચેન્નાઈએ 19.2 ઓવરમાં 5 વિકેટના નુકસાને 208 રન બનાવીને મેચ જીતી લીધી હતી. કેપ્ટન રુતુરાજ ગાયકવાડ અને શિવમ દુબેએ પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. આ જીત સાથે ચેન્નાઈના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ મેચમાં લખનૌની પ્લેઈંગ ઈલેવનમાં મિચેલ માર્શ, જોશ ઈંગ્લિસ, નિકોલસ પૂરન, કેપ્ટન રિષભ પંત, એડન માર્કરામ, અક્ષત રઘુવંશી, હિંમત સિંહ, શાહબાઝ અહેમદ, મોહમ્મદ શમી, દિગ્વેશ સિંહ રાઠી અને પ્રિન્સ યાદવનો સમાવેશ થયો હતો. જ્યારે વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં રુતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, ઉર્વિલ પટેલ, કાર્તિક શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટન, અકીલ હુસૈન, અંશુલ કંબોજ, નૂર અહેમદ અને મુકેશ ચૌધરીએ શાનદાર દેખાવ કર્યો હતો. પરાજિત થયા છતાં મોહમ્મદ શમીની બોલિંગ અને રિષભ પંતની કેપ્ટનશીપે મેચને અંત સુધી જીવંત રાખી હતી.

(8:27 PM IST)