News of Tuesday, 26th May 2026
IPL પ્લેઓફ પર વરસાદનું સંકટઃ મેચ ધોવાઈ જશે તો કોનું નસીબ ચમકશે અને કોણ થશે બહાર? જાણી લો ગણિત
ક્વોલિફાયર અને એલિમિનેટર માટે કોઈ ‘રિઝર્વ ડે' નથી, વરસાદ પડવાની સ્થિતિમાં પોઈન્ટ ટેબલના આધારે ફાઈનલની ટિકિટ નક્કી થશેઃ ગુજરાત ટાઈટન્સ માટે રાહતના સમાચાર, રાજસ્થાનને મોટું નુકસાન : આજના મેચમાં વરસાદ વિલન બનશે તો બેંગ્લોરની ટીમ સુધી ફાઈનલમાં પહોંચશેઃ ગુજરાતને ફાઈનલમાં પહોંચવા માટે ક્વોલીફાયર રમવુ પડશે : આજે બેંગ્લોર વિ.ગુજરાત અને કાલે હૈદરાબાદ વિ.રાજસ્થાન વચ્ચે મુકાબલો

નવી દિલ્હીઃ આઈપીએલ ૨૦૨૬ની પ્લેઓફ મેચોનો રોમાંચક જંગ શરૂ થવા જઈ રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), ગુજરાત ટાઈટન્સ (GT), સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) એમ ચાર મજબૂત ટીમોએ પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. પરંતુ આ મહામુકાબલાઓ શરૂ થાય તે પહેલા જ ક્રિકેટ રસિકો અને ટીમો માટે ચિતાના સમાચાર સામે આવ્યા છે.
આજે મંગળવાર, ધર્મશાલા ખાતે રમાનારી ક્વોલિફાયર-૧ (RCB વિરુદ્ધ GT) મેચ પર વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં જો વરસાદ વિલન બને તો કોને ફાયદો થશે અને પ્લેઓફના નિયમો શું કહે છે, આવો જાણીએ સંપૂર્ણ સમીકરણ.
આને ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાનારી ક્વોલિફાયર-૧ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો વરસાદના કારણે આ મેચ રદ્દ થાય છે, તો આઈપીએલના નિયમ મુજબ પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેલી ટીમ વિજેતા જાહેર થશે.
એટલે કે, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સીધી ફાઈનલમાં પ્રવેશ કરશે, જ્યારે ગુજરાત ટાઈટન્સને ફાઈનલમાં પહોંચવા માટે ક્વોલિફાયર-૨ રમવું પડશે.
૨૭ મેના રોજ મુલ્લાંપુર (ન્યૂ ચંદીગઢ) ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ મેચ માટે પણ કોઈ રિઝર્વ ડે નથી. જો આ મેચ વરસાદમાં ધોવાઈ જાય તો પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહેલી હૈદરાબાદની ટીમ ક્વોલિફાયર-૨માં પહોંચશે, જ્યારે ચોથા સ્થાને રહેલી રાજસ્થાન રોયલ્સ ટૂર્નામેન્ટમાંથી સીધી બહાર થઈ જશે. આમ, વરસાદ પડે તો સૌથી મોટું નુકસાન રાજસ્થાનને વેઠવું પડશે.
ક્વોલિફાયર-૧ની હારેલી ટીમ અને એલિમિનેટરની વિજેતા ટીમ વચ્ચે ૨૯ મેના રોજ શુક્રવારે ક્વોલિફાયર-૨ રમાશે. આ મેચ માટે પણ કોઈ રિઝર્વ ડે નથી.
જો આ મેચ વરસાદના લીધે રદ્દ થાય, તો ક્વોલિફાયર-૧ રમીને આવેલી ટીમને ફાયદો મળશે. એટલે કે જો ક્વોલિફાયર-૧માં વરસાદ પડે તો ગુજરાત સીધી ક્વોલિફાયર-૨માં આવશે અને જો ક્વોલિફાયર-૨ પણ વરસાદમાં ધોવાઈ જાય, તો નિયમ અનુસાર ગુજરાત ટાઈટન્સ સીધી ફાઈનલમાં પહોંચી જશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૩૧ મેના રોજ રમાનારા ભવ્ય ફાઈનલ મુકાબલા માટે ખાસ 'રિઝર્વ ડે' રાખવામાં આવ્યો છે. જો ૩૧ મેના રોજ વરસાદના કારણે ફાઈનલ મેચ પૂર્ણ ન થઈ શકે, તો બાકીની રમત આગલા દિવસે એટલે કે ૧ જૂનના રોજ રિઝર્વ ડે પર રમાડવામાં આવશે અને ચેમ્પિયનનો નિર્ણય પિચ પર જ થશે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
