<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

આઈપીએલનો હાઈ-વોલ્ટેજ મુકાબલો: 15 વર્ષના વૈભવ સૂર્યવંશી પર સૌની નજર :ક્રિસ ગેલનો મહારિકોર્ડ તોડશે ?

માત્ર 6 છગ્ગા અને વૈભવ બની જશે આઈપીએલનો નવો 'સિક્સર કિંગ': ટી-20માં 1000 રનનો માઈલસ્ટોન પૂરો કરવા જોઈએ માત્ર 45 રન

આઈપીએલ 2026 ની 36મી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે. આ મેચ માત્ર પોઈન્ટ્સ ટેબલની લડાઈ નથી, પરંતુ રેકોર્ડ બુકમાં એક નવું નામ ઉમેરવાની તક પણ છે. રાજસ્થાનના ઓપનિંગ બેટર વૈભવ સૂર્યવંશીએ લીગની શરૂઆત પહેલા જ ક્રિસ ગેલના 175 રનના હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ તોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, આજે તેની પાસે ગેલનો અન્ય એક મોટો રેકોર્ડ તોડવાની તક છે. 

   વૈભવ સૂર્યવંશી અત્યારે આઈપીએલમાં 50 સિક્સર પૂરી કરવાથી માત્ર 6 છગ્ગા દૂર છે. અત્યાર સુધી વૈભવે 14 મેચોમાં 44 સિક્સર ફટકારી છે. જો તે આજે હૈદરાબાદ સામે 6 સિક્સર ફટકારવામાં સફળ રહે છે, તો તે આઈપીએલ ઈતિહાસમાં સૌથી ઝડપી 50 છગ્ગા પૂરા કરનાર બેટ્સમેન બની જશે. હાલમાં આ વર્લ્ડ રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે, જેમણે 25 ઇનિંગ્સમાં 50 સિક્સર પૂરી કરી હતી. વૈભવ જો આજે આ સિદ્ધિ મેળવે છે, તો તે માત્ર 15 ઇનિંગ્સમાં આ મુકામ હાંસલ કરશે, જે ગેલ કરતા 10 ઇનિંગ્સ ઓછી છે.

આઈપીએલમાં અત્યાર સુધી આન્દ્રે રસેલે 32 ઇનિંગ્સમાં અને અભિષેક શર્માએ 35 ઇનિંગ્સમાં 50 સિક્સર પૂરી કરી છે. આ લિસ્ટમાં વૈભવનું નામ ટોચ પર આવવું એ ભારતીય ક્રિકેટ માટે ગર્વની વાત હશે. આ ઉપરાંત, વૈભવ સૂર્યવંશી આજે ટી-20 ફોર્મેટમાં પોતાના 1000 રન પૂરા કરવાથી માત્ર 45 રન દૂર છે. તેણે અત્યાર સુધી 25 ઇનિંગ્સમાં 955 રન બનાવ્યા છે.

 

(1:37 PM IST)