<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

ટી ૨૦ ક્રિકેટમાં બોલરોને અન્‍યાય? સુનીલ ગાવસ્‍કરની ક્રાંતિકારી દરખાસ્‍તઃશાનદાર પ્રદર્શન કરનાર બોલરને પાંચમી ઓવર આપવી જોઈએ

બેટ અને બોલ વચ્‍ચે સંતુલન જાળવવા પૂર્વ દિગ્‍ગજ ક્રિકેટરનો નવો મંત્રઃ ઈમ્‍પેક્‍ટ પ્‍લેયરના નિયમ બાદ હવે બોલરોને પ્રોત્‍સાહન આપવાની કરી હિમાયત

મુંબઇ તા.૧૨: આઇપીએલ જેવી રસાકસીભરી ટી૨૦ ટુર્નામેન્‍ટ્‍સમાં અત્‍યારે બેટ્‍સમેનોનો દબદબો જોવા મળી રહ્યો છે. ચોગ્‍ગા અને છગ્‍ગાના આ જમાનામાં બોલરોની હાલત કફોડી બની છે, ત્‍યારે ભારતના પૂર્વ દિગ્‍ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્‍કરે એક મહત્‍વની અને રસપ્રદ દરખાસ્‍ત રજૂ કરી છે. ગાવસ્‍કરનું માનવું છે કે બેટિંગ અને બોલિગ વચ્‍ચે યોગ્‍ય સંતુલન સ્‍થાપિત કરવા માટે શાનદાર પ્રદર્શન કરનાર બોલરને મેચમાં વધારાની ઓવર ફેંકવાની છૂટ મળવી જોઈએ.

સુનીલ ગાવસ્‍કરે સૂચન કર્યું છે કે, જો કોઈ બોલર પોતાની ક્‍વોટાની ૪ ઓવરમાં ૩ વિકેટ ઝડપે છે, તો તેને પુરસ્‍કાર તરીકે ૫મી ઓવર ફેંકવાની તક આપવી જોઈએ. હાલના નિયમ મુજબ, વ્‍૨૦માં એક બોલર વધુમાં વધુ ૪ ઓવર જ ફેંકી શકે છે, જેના કારણે ટીમના શ્રેષ્ઠ બોલરનો સ્‍પેલ જલ્‍દી ખતમ થઈ જાય છે અને બેટ્‍સમેનોને અંતિમ ઓવરોમાં રન લૂંટવાની મોકળાશ મળી જાય છે.

ગાવસ્‍કરે તર્ક આપતા જણાવ્‍યું હતું કે, જો કોઈ બેટ્‍સમેન સારી લયમાં હોય તો તે આખેઆખી ૨૦ ઓવર રમી શકે છે અને ટીમને મોટો સ્‍કોર બનાવી આપે છે. તો પછી જે બોલર સારી લયમાં છે અને વિકેટો ઝડપી રહ્યો છે, તેને માત્ર ૪ ઓવર સુધી જ કેમ મર્યાદિત રાખવો જોઈએ? શાનદાર સ્‍પેલના બદલામાં તેને એક વધારાની ઓવર આપવાથી રમત વધુ રોમાંચક બનશે.

(3:17 PM IST)